ગુજરાતના લાખો એપીએલ કાર્ડધારકોને આજથી નહીં મળે કેરોસીન


 અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.1: રાજ્યનાં તમામ જિલ્લા મથકોએ આજથી એપીએલ કાર્ડધારકોને કેસોસીન મળશે નહીં. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એપીએલ કાર્ડ ધારકોને 1 ડિસેમ્બરથી કેરોસીનનો જથ્થો નહીં આપવા નક્કી કર્યું છે. લોકો રાંધણ ગૅસનો ઉપયોગ કરતા થાય અને પ્રદૂષણ ઘટે તેવા હેતુ સાથે આ નિર્ણય કરાયો છે. 
મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા પાઇપલાઇન અથવા સિલિન્ડર મારફતે ગૅસ આપવા સાથે કેરોસીનનો ઉપયોગ સદંતર બંધ કરવાના હેતુથી એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન આપવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી સરકારે કેરોસીન નહીં આપવોનો અગાઉથી જ નિર્ણય લેવાયો હતો. જોકે, એપીએલ કાર્ડધારકોએ સ્વખર્ચે ગેસ વસાવવાનો રહેશે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કુલ બે તબક્કામાં આ અંગે કરાનારા અમલમાં પ્રથમ તબક્કામાં રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ  અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગરમાં એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં રાજ્યનાં 33 જિલ્લા મથકોમાં તેનો અમલ કરી તમામ એપીએઁલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની સાથોસાથ રાંધણ ગેસના ભાવ પણ આસમાને છે ત્યારે કેરોસીન બંધ કરવાનો નિર્ણય સામે રેશનકાર્ડ ધારકોની સાથે સસ્તા અનાજના દુકાનદારોમાં પણ વિરોધનો સૂર ઉઠયો છે. કેમ કે આ નિર્ણયથી મધ્યમ વર્ગના લોકોની તકલીફો સાથે સસ્તા અનાજની દુકાન ધરાવનારના કમિશનમાં પણ ઘટાડો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer