જમીન કૌભાંડ : હુડા, વોરા સામે ચાર્જશીટ દાખલ

ચંદીગઢ, તા. 1:  વર્ષ 2005માં એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે જમીન ફાળવવાના મામલામાં સીબીઆઈએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેદ્રાસિંહ હુડા, વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા અને એજેએલની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. હાલમાં જ હરિયાણાના રાજ્યપાલ નારાયણ આર્ય દ્વારા ચર્ચાસ્પદ એજેએલ મામલામાં સીબીઆઈને પૂર્વ મુખ્યમંત્રી હૂડાની સામે ખટલો ચલાવવા માટે મંજુરી આપી દીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી પર એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડને તેના અખબાર નેશનલ હેરાલ્ડ માટે પંચકુલામાં નિયમોની સામે જમીન ફાળવણી કરવાનો આક્ષેપ કર્યો હતો. વર્તમાન ભાજપ સરકારે વર્ષ 2016માં આ મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. સીબીઆઈની ચાર્જશીટ ઉપર પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકાર આ કામોમાં લાગેલી છે. પાંચ વર્ષ ખતમ થવા આવ્યા છે. સરકારની પાસે સત્તા રહેલી છે. તેમની પાસે હુડા અને અન્યો ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને સાબિત કરવા માટે પુરાવા નથી. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યા છીએ કે, કઇરીતે વિપક્ષના નેતાઓની સાથે એક પછી એક ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer