એફઆઈઆર સામે 700 જવાનોની અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી, તા. 1  : સુપ્રીમ કોર્ટે મણિપુર જેવા અશાંત ક્ષેત્રોમાં એન્કાઉન્ટરને અંજામ આપનારા સૈન્ય કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરાવવા સામે કરવામાં આવેલી અરજીને ફગાવી છે. આ અરજી 700 સૈન્ય કર્મચારીઓ તરફથી દાખલ કરાવવામાં આવી હતી. આ ક્ષેત્રમાં સેનાને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ હેઠળ વિશેષ અધિકાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટે કેસમાં જાણ્યું હતું કે, 15-20 વર્ષ જૂના અમુક કેસમાં સેનાએ તપાસ પણ કરી નથી. આવા કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. 
700 સૈન્ય કર્મચારીઓની અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી લોકૂર અને યૂયૂ લલિતે કહ્યું હતું કે, અશાંત ક્ષેત્રોમાં સૈનિકા દ્વારા પડતી મુશ્કેલીઓ વિશે તેઓ અવગત છે. આ જ કારણથી એટોર્ની જનરલને 15-20 વર્ષમાં થયેલા નકલી એન્કાઉન્ટરના મામલાની તપાસ માટે કહેવામાં આવ્યું છે. જે કેસમાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમાં સીબીઆઈ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા પણ કરી હતી અને જે એન્કાઉન્ટર યોગ્ય હોય તેમાં સુરક્ષા પણ પ્રદાન કરવામાં આવશે.
આ દરમિયાન ફરિયાદો પાછી ખેંચવાની અરજી ફગાવવાના આદેશ ઉપર પણ પોતે અડગ હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.  તેમજ આ મામલે કેન્દ્રની વાત સાંભળવામાં આવશે નહી તેમ પણ ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer