બંગલામાં લૅન્ડિંગ ક્લબના નામે ગોરખધંધો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.1: શહેરમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર સામે પોલીસે લાલ આંખ કરતા હવે કોલ સેન્ટર સંચાલકો પોલીસથી બચવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક બંગલામાં લેન્ડિંગ ક્લબના નામે ધમધમતું કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડયું છે. ક્લબના નામે કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. વિદેશી નાગરિકો પાસેથી નાણાં પડાવતા આ કોલ સેન્ટર ઉપર પોલીસે છાપો મારીને ચાર શખસોને ઝડપી લીધાછે. 
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા વિસ્તારમાં વૃંદાવન બંગ્લોઝમાં મકાન ભાડે રાખીને ધ્રુવ નામનો શખસ લેન્ડિંગ ક્લબના નામે કોલ સેન્ટર ચલાવતો હતો. તેમ જ વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપીને તેમની પાસેથી નાણાં પડાવતો હતો. બંગ્લોઝમાં ક્લબના નામે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતા પોલીસે છાપો મારતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી ચાર શખસોને ઝડપી લીધા હતા. આ સાથે મોબાઇલ ફોન સહિત રૂા.1.50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે કોલ સેન્ટર શરૂ કરીને વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ ચાલુ કારમાં કોલ સેન્ટર પોલીસે પકડી પાડયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer