નાંદેડમાં ખેડૂતે પોતાની ચિતા તૈયાર કરી, સળગાવી અને પછી એમાં છલાંગ મારી

નાંદેડમાં ખેડૂતે પોતાની ચિતા તૈયાર કરી, સળગાવી અને પછી એમાં છલાંગ મારી
અમારા પ્રતિનિધિ તરફથી
નાંદેડ, તા. 10 : પોતાની ચિતા સળગાવી એમાં કૂદી પડીને એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાનો બનાવ નાંદેડના ઉમરી તાલુકાના તુરાટી ગામમાં બન્યો છે.
60 વર્ષના પોતણ્ણા કલપિલવાડ નામનો ખેડૂત આ વર્ષે ઘણો ઓછો વરસાદ પડતાં ચિંતિત હતો. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે અને પાણીના અભાવે પાક થયો જ નથી. પોતણ્ણાના ખેતરમાં પણ એ જ પરિસ્થિતિ હતી. આસપાસનાં ગામડાંઓમાં ખેતીવાડી તો છોડો, લોકોને પીવા માટે પાણી તથા ઘરનાં ઢોરઢાંખર માટે ઘાસચારો પણ નથી. આ બધાથી દુ:ખી થઈદે કંટાળેલા પોતણ્ણાએ પોતાની ચિતા બનાવીને પ્રગટાવી અને ત્યાર બાદ એમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
આ ખેડૂત કરજને લીધે તથા સતત પાક નિષ્ફળ જતાં કંટાળી ગયો હતો. તેણે કરેલી આત્મહત્યાની જાણ શુક્રવારે સાંજે થઈ હતી. શુક્રવારે બપોરે તે ખેતરમાં ગયો હતો અને સાંજે છ વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હતો. તેના પર કુલ 2,40,000 રૂપિયાનું બે બૅન્કનું કરજ હતું. તેના પરિવારમાં પત્ની, દીકરો અને પાંચ પરિણીત દીકરીઓ છે. ખાસ તો એ આ પાંચેપાંચ દીકરીઓ પિયર આવી હતી ત્યારે આ ઘટના બની હતી. સાંજે મોડું થઈ જતાં દીકરો અને ભત્રીજો તેમને શોધવા નીકળ્યા હતા ત્યારે ખેતરમાં આગ અને અસ્થિ જોઈને બન્નેને આંચકો લાગ્યો હતો. પોલીસ અને ડૉક્ટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer