શ્રીનગર, તા. 10 : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી જેમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
અહીંના તિકુનમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. શુક્રવારે સાંજે પણ ત્રાલ ગામમાં સુરક્ષા દળોએ એક ત્રાસવાદીને ઠાર કરી દીધો હતો. એક મકાનમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ગુપ્તચર માહિતી મુજબ મકાનમાં બેથી ત્રણ આતંકવાદી છુપાયેલા હોવાની આશંકા હતી. દક્ષિણ કાશ્મીરના તિકુન ગામમાં સવારે થયેલી કાર્યવાહીમાં સેનાની 55 રાષ્ટ્રીય રાયફલ્સ, સીઆરપીએફની 180/183 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓફિસર્સ ગ્રુપ દ્વારા તિકુન ખાતે માહિતીના આધારે મકાનની ઘેરાબંધી કરવામાં આવી હતી.