મુંબઈમાં મોડી રાતે ફટાકડા ફોડવા બદલ 100 કેસ નોંધાયા

મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈમાં 100થી વધુ કેસ નોંધાયા હતા એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ગયા મહિને દેશભરમાં ઓછો ધુમાડો કાઢતા `ગ્રીન' ફટાકડાના વેચાણ અને ઉત્પાદનની છૂટ આપી હતી અને દિવાળી દરમિયાન રાતે 8થી 10 મળી બે કલાક જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. રાજ્યના ગૃહમંત્રાલયે ફટાકડા ફોડવા સંબંધે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા અને એનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં ભરવાનો હુકમ પોલીસને કર્યો હતો.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી પણ ફટાકડા ફોડવા સંબંધે 100થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા એવી જ રીતે સુરક્ષાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને ફટાકડા વેચવા સંબંધે 53 કેસ નોંધવામાં આવ્યા હતા.
પહેલો કેસ ટ્રૉમ્બેમાં નોંધાયો હતો જ્યાં મધરાતે ફટાકડા ફોડનારા બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
ગુરુવારે રાત્રે મરીન ડ્રાઈવ પોલીસે છ યુવકોની ધરપકડ કરી હતી, આ સમયમર્યાદા પછી ફટાકડા ફોડી રહ્યા હતા. ઝોનલ ડીસીપી અભિષેક ત્રિમુખે ફટાકડા નહીં ફોડવા માટે નાગરિકોને અપીલ કરી હતી. આ છ યુવકોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ અંતર્ગત રૂા. 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 
બાંદરામાં ત્રણ યુવકો- કૌસ્તુભ માંજરેકર (19), સંકેત કદમ (20) અને હરિઓમ ચુરાસિયા (21) રાત્રે 11 વાગ્યે ફટાકડા ફોડતા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer