છત્તીસગઢમાં રાહુલ, શાહ અને યોગીનો ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો અંત : 12મીએ 18 બેઠકો માટે મતદાન

રાયપુર, તા. 10  : અનાજના ભંડાર તરીકે ગણાતા છત્તીસગઢમાં હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. પ્રથમ તબક્કામાં છત્તીસગઢમાં 12મી નવેમ્બરના દિવસે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં નકસલવાદીગ્રસ્ત બસ્તર ક્ષેત્રના સાત જિલ્લા અને રાજનાંદગાંવ જિલ્લાની 18 સીટો માટે મતદાન યોજાશે. 
પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ઝંઝાવતી પ્રચાર કરીને માહોલ પોતપોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલ ગાંધીએ આજે પણ આક્રમક ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચારની જવાબદારી સંભાળી હતી. 
છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ સામે અનેક પડકારો રહેલા છે. છેલ્લા ઘણા વર્ષથી ભાજપની સરકાર અહીં સત્તામાં છે. પ્રથમ તબક્કામાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસે સંપૂર્ણ તાકાત ઉમેરી દીધી હતી. અમિત શાહ સવારે રાયપુરમાં ઘોષણાપત્ર જારી કરવાની સાથે સાથે જાહેરસભામાં પણ વ્યસ્ત રહ્યા હતા. રાજનાંદગાંવમાં રોડ શોમાં પણ વ્યસ્ત રહ્યા હતા. યોગી આદિત્યનાથે રાજ્યમાં એક પછી એક આઠ રેલી યોજી હતી. યોગીએ લોરમી, મુંગાલી, સાજા, કવરધામાં રેલી યોજી હતી. યોગી આવતીકાલે પણ વધુ ચાર રેલી યોજનારા છે.
ભાજપના સૂત્રોના કહેવા મુજબ યોગી રાજ્યમાં 18થી 20 રેલી કરનારા છે. યોગી સ્ટાર પ્રચાર પૈકીના છે અને મુખ્યમંત્રી રમણાસિંહે ઉમેદવારી નોંધાવી ત્યારે પણ છત્તીસગઢ પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ એવા સમયે છત્તીસગઢ પહોંચ્યા છે જ્યારે અયોધ્યામાં ભગવાન રામની 151 મીટર ઊંચી પ્રતિમા બનાવવા અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer