શ્રીલંકાની સંસદનું વિસર્જન

પાંચમી જાન્યુઆરીએ મધ્યસત્રીય ચૂંટણી જાહેર કરતા પ્રમુખ સિરિસેના 

કોલંબો, તા. 10: શ્રીલંકામાંની રાજકીય કટોકટીના ઉકેલને ટાળી પ્રમુખ મૈથ્રીપાલ સિરીસેનાએ શુક્રવારે મોડી સાંજે સંસદનું વિસર્જન કર્યું હતું. વિખવાદી ઢબે મુકાયેલા પીએમને અધિકૃત જાહેર કરવા જરૂરી બહુમતીના અભાવ હોવાનું તેમના રાજકીય મોરચાએ જાહેર કર્યાના થોડા જ કલાકમાં આ પગલું લેવાયું હતું. મધરાતથી અમલી બને તેમ સંસદને બરતરફ કરી (વિખેરી નાખી) આગામી તા.પાંચ જાન્યુઆરીએ મધ્યસત્રી સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. મધ્ય સત્રીય ચૂંટણી જાહેર થવા સાથે શ્રીલંકા, દેશને હાનિકર્તા રાજકીય પક્ષાઘાતમાં ધકેલતી વધુ ગાઢ કટોકટીમાં ધકેલાયો છે. પીએમપદેથી બરતરફ કરાયેલા રનિલ વિક્રમસિંઘેએ તત્કાળ કોઈ નુકતેચીની કરી ન હતી પણ તેમના પક્ષ યુએનપીએ જણાવ્યું હતું કે સંસદને બરતરફ કરવાના સિરિસેનાના પગલાને તેઓ પડકારશે.
'1પમાં સરકાર રચવા જેની સાથે હાથ મિલાવ્યા હતા તે વિક્રમસિંઘેને પ્રમુખ સિરિસેનાએ ગઈ તા.26મીએ એકાએક બરતરફ કરી તેમના સ્થાને પૂર્વ પ્રમુખ મહિન્દા રાજપક્ષની નિમણૂક કરી હતી. બંધારણને ઉવેખતા એ પગલાની ઘરઆંગણે/ આં. સ્તરે ટીકા થઈ હતી.
સિરિસેનાના પગલાને અમે કોર્ટમાં પડકારશું, પરિણામ જે પણ આવે અમારો પક્ષ પ્રમુખ સામે ઈમ્પિચમેન્ટ (મહાભિયોગ)નો પ્રસ્તાવ લાવશે એમ યુએનપીના નેતા મંગલા સમરવીરા (જે વિદાય લેતી સરકારમાં નાણામંત્રી હતા)એ જણાવ્યું હતું. સંસદનું વિસર્જન ગેરકાયદે છે અને પ્રમુખે લોકશાહી તથા પ્રજાના અધિકારોને છીનવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer