વટહુકમ નહીં, પરસ્પર સહમતીથી ડિસેમ્બરમાં રામમંદિરનું નિર્માણ : વેદાન્તી

વટહુકમ નહીં, પરસ્પર સહમતીથી ડિસેમ્બરમાં રામમંદિરનું નિર્માણ : વેદાન્તી
લખનઊ તા. 3: લોકસભાની '19ની ચૂંટણીના થોડા જ મહિનાઓ પહેલાં અયોધ્યા વિવાદ ફરી વેગપૂર્વક સંચારિત થયો છે, ખાસ તો અયોધ્યા વિવાદની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી  તે પછી આ મામલે રાજનીતિ તેજ બની છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે તીવ્ર બનતી બૂમરાણ વચ્ચે યુપી ભાજપના પ્રમુખ મહેન્દ્ર પાન્ડેએ ગઈ કાલે જણાવ્યું હતું કે દિવાળીએ લોકોને અયોધ્યા વિશે કંઈક સારા સમાચાર સાંભળવા મળશે. આરએસએસ અને ભાજપના નેતાઓની નિવેદનબાજી વચાળે રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામવિલાસ વેદાન્તીએ, અયોધ્યામાં વિવાદિત સ્થળે ડિસે.માં રામમંદિરનું નિર્માણ શરૂ થશે એવું એલાન કરવા સાથે દાવો ય કર્યો છે કે વટહુકમ મારફત નહીં પણ આપસી સહમતિથી  આમ થશે. બાબા રામદેવે જણાવ્યુ છે કે સંતો અને રામભકતોએ સંકલ્પ કર્યો છે કે રામમંદિર નિર્માણમાં હવે વિલંબ ન થવો જોઈએ. જો અદાલતના ફેંસલામાં અગર વિલંબ થશે તો સંસદમાં આ બાબતે ખરડો જરૂર આવશે અને આવવું જ જોઈએ. રામ જન્મભૂમિમાં રામ મંદિર ન બને તો કોનું બને ?  જો કે યુપીના નાયબ સીએમ કેશવપ્રસાદ મૌર્યએ અલગ સૂરમાં વાત કરી છે: મંદિરનો મામલો અદાલતને આધીન છે. પરંતુ અમને અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય પ્રતિમા બનાવવાથી કોઈ રોકી નથી રહ્યું, જો કોઈ રોકે તો અમે જોઈશું અયોધ્યાનો વિકાસ કરતા અમને કોઈ નહીં રોકે.  
અયોધ્યા ટાઈટલ દાવાની સુનાવણી સર્વોચ્ચ અદાલતે જાન્યુઆરીમાં ઠેલ્યાની પ્રતિક્રિયામાં `િવલંબિત ન્યાય ઘણી વાર અન્યાય સમાન હોય છે' એવું વિધાન કરનાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે `સારા સમાચાર સાથે હું અયોધ્યા જનાર છું. અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે અને રાષ્ટ્રીય મહત્વનું તીર્થસ્થળ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે અયોધ્યામાં દિવાળી વધુ ઉમંગઉલ્લાસભેર ઉજવાશે.' (આ વર્ષના દિપોત્સવમાં માટીના 3 લાખ દીપપ્રાગટ્યનો ગિનેસ વિશ્વ વિક્રમ સર્જવા રાજયસરકારની નેમ છે) સરયૂ કાંઠે ભગવાન રામની 108 મીટર ઉંચી પ્રતિમાના બાંધકામ વિશે યોગી ઘોષણા કરે તેવાં અનુમાનો તીવ્ર બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer