મી ટૂ : પલ્લવી ગોગોઈએ કહ્યું, અકબર સાથે સંબંધ સહમતીથી નહોતો

મી ટૂ : પલ્લવી ગોગોઈએ કહ્યું, અકબર સાથે સંબંધ સહમતીથી નહોતો
બળજબરી અને પદના દુરુપયોગથી બનેલો સંબંધ સહમતી આધારિત ન હોવાની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 3 : પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર ઉપર બળાત્કારનો આરોપ મૂકનારી પત્રકાર પલ્લવી ગોગોઈએ કહ્યું હતું કે, બંને વચ્ચે ક્યારેય સહમતીથી સંબંધ બંધાયો નથી. મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે, બળજબરી અને પદનો દુરુપયોગ કરીને બનાવવામાં આવેલો સંબંધ સહમતી ઉપર આધારિત ન હોય શકે. પલ્લવી ગોગોઈ નેશનલ પબ્લિક રેડિયોની ચીફ બિઝનેસ એડિટર છે અને તેણે આરોપ મુક્યો હતો કે એશિયન એજમાં કામ કરવા દરમિયાન અકબરે બળાત્કાર કર્યો હતો. 
મીટૂ અભિયાન વચ્ચે એમજે અકબર ઉપર ડઝનેક મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ મુક્યો હતો. આ આરોપો બાદ અકબરે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને અત્યારે અકબર આ આરોપો સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. આ મામલે અકબરે અગાઉ દાવો કર્યો હતો કે, પલ્લવી સાથે સહમતીથી સંબંધ બન્યો હતો. જે અંગે જવાબ આપતા પલ્લવીએ આ સંબંધ સહમતી આધારિત ન હોવાની સ્પષ્ટતા કરી હતી. ટ્વિટ ઉપર પોતાનો પક્ષ રાખતા પલ્લવીએ કહ્યું હતું કે, તેણે જે આરોપો મુક્યા છે તેના ઉપર કાયમ છે અને આ મામલે પોતાનો અવાજ બુલંદ કરતી રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer