મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ફટકો : શિવરાજના સાળા કૉંગ્રેસમાં

મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ફટકો : શિવરાજના સાળા કૉંગ્રેસમાં
ભોપાલ, તા. 3 : મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીથી બરાબર પહેલાં જ સત્તાધારી ભાજપને મોટો રાજકીય ફટકો પડયો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહ ભાજપને રામ-રામ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં સંજયસિંહનો પ્રવેશ થયો ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત હતા. એમપીના ત્રણ વખત સીએમ રહેલા શિવરાજ માટે વ્યક્તિગત રીતે આ મોટો ઝાટકો છે.
સંજયસિંહે કોંગ્રેસમાં પ્રવેશ કરતાં કમલનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશને હવે `રાજ'ની નહીં, `નાથ'ની જરૂર છે. સંજયાસિંહ શિવરાજસિંહની પત્ની સાધનાસિંહના ભાઈ છે. સંજયસિંહ ટિકિટ ન મળવાને કારણે નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બરે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે.
જોકે, કોંગ્રેસમાં પણ આંતરિક કલહનો પાર નથી. સમાધાનનો મોરચો સંભાળવા ખુદ સોનિયા ગાંધી આગળ આવ્યાં છે. ઉમેદવારોનાં નામ ફાઈનલ કરવાના મામલે કોંગ્રેસમાં આંતરિક ગજગ્રાહ જામ્યો છે.
ભાજપે મધ્યપ્રદેશના 177 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેના મતભેદ સપાટી પર આવતાં કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી શકી નથી. સૂત્રો અનુસાર, દિગ્વિજય અને સિંધિયા પોતપોતાના સમર્થકો સાથે સામસામે આવી ગયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer