ગેરવહીવટને કારણે સમાજની શાન કપોળ બૅન્ક બદનામીનો દાગ બની ગઈ છે

ગેરવહીવટને કારણે સમાજની શાન કપોળ બૅન્ક બદનામીનો દાગ બની ગઈ છે

ઉપાડમર્યાદા 20 હજાર કરવાની માગ સાથે ખાતેદારોનો મોરચો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : આર.બી.આઈ.ના નિયંત્રણોથી પરેશાન કપોળ બૅન્કના ખાતેદારોએ આજે ફરીથી વિલે પાર્લેમાં કપોળ બૅન્કની એડમિનિસ્ટ્રેટિવ અૉફિસ સામે મોરચો માંડયો હતો અને દસ હજારની ઉપાડની મર્યાદા વધારીને 20 હજાર કરવાની માગણી કરી હતી. કપોળ કેસીબીએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ ઇફોર્ટલ) નામના ખાતેદારોના સંગઠને આ મોરચાનું આહવાન કર્યું હતું, જેમાં અનેક ખાતેદારો હાજર રહ્યા હતા.
બાદમાં કાર્યકરોએ બૅર્ન્કા સહાયક મૅનેજર કમલેશ મહેતાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ મોરચો બાદમાં બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન કે.ડી . વોરાના ઘરે પહોંચ્યો હતો અને પાર્લેની બજારમાં તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કૃષ્ણરાજ બિલ્ડિંગમાં રહેતા વોરાના ઘરે બે સિનિયર સિટિઝને જઈને આવેદન સુપરત કરવાની ઔપચારિકતા પૂરી કરી હતી.
ધવલ મહેતાની આગેવાની હેઠળ ખાતેદારોના સંગઠનના ટેકામાં જાણીતા કપોળ આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્ર્યંબકભાઈ પારેખ, જગુભાઈ ખોડિયાર, રમેશ વોરા, મનસુખભાઈ મહેતા સહિતના કપોળ આગેવાનોએ પ્રાસંગિક સંબોધન કરીને બૅન્કને ફરીથી શરૂ કરવાની માગણી કરી હતી. ત્ર્યંબકભાઈ પારેખે માહિતી આપી હતી કે કપોળ બૅન્કના ગેરવહીવટ સંબંધે અમે ફરિયાદ કરી હતી અને હાઈ કોર્ટમાં પણ કેસ કરેલો છે. છેલ્લાં બે વર્ષથી આ કેસ ચાલે છે અને તમામ જવાબદાર ગેરવહીવટકારો જામીન પર છૂટેલા છે.
રમેશ વોરાએ કહ્યું હતું કે રોકાણકારોની 400 કરોડ રૂપિયાની રકમ આડેધડ લોન આપીને વહીવટકર્તાઓએ બૅન્કને ડૂબાડી છે. આર.બી.આઈ.ની ફરિયાદમાં પણ વહીવટદારોનાં નામ છે પરંતુ અકળ કારણોસર કોઈ કાર્યવાહી થતી નથી.
જગુભાઈ ખોડિયારે કહ્યું હતું કે જેમના પતિ હયાત નથી એવી મહિલાઓ તેમ જ સિનિયર સિટિઝનોની પરસેવાની કમાણી કે મરણ મૂડી બૅન્કમાં ફસાયેલી છે. મૅનેજમેન્ટે બૅન્કને ડૂબાડી આવા ખાતેદારોને જીવતા જ મારી નાખ્યા છે. આવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાવા જોઈએ.
ધવલ મહેતાએ કહ્યું હતું કે બૅન્ક ડિફોલ્ટરોનાં નામ પણ આપતી નથી. ખાતેદારોની યાદી આપવામાં પણ ગલ્લાંતલ્લાં કરે છે. વડા પ્રધાન કાર્યાલયે બૅન્કિંગ ડિપાર્ટમેન્ટને આ મામલે તપાસનું જણાવ્યું છે તે રાહતની વાત છે. અમે બૅન્કને ફરીથી ધમધમતી કરવા મક્કમ છીએ. કપોળ સમાજની શાન ગણાતી કપોળ બૅન્ક આજે સમાજ માટે દાગ બની ગઈ છે. હવે અમે દોષિતોને સજા અપાવી સમાજની શાન પાછી લાવવાના પ્રયાસ કરીશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer