અૉનલાઇનને બદલે `લાઇવલાઇન''થી ડ્રાઈફ્રૂટ્સના બિઝનેસમાં ત્રીસ ટકાનો ઉછાળો

અૉનલાઇનને બદલે `લાઇવલાઇન''થી ડ્રાઈફ્રૂટ્સના બિઝનેસમાં ત્રીસ ટકાનો ઉછાળો
મસ્જિદ બંદરના `મુંબઈ મેવા-મસાલા મહોત્સવ'ને જબ્બર સફળતા 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ડ્રાય ફ્રૂટ્સ કે સુકામેવા-મસાલાના બિઝનેસમાં આ વર્ષે સરેરાશથી 30 ટકાનો વધારો થયો છે, એમ મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ અસોસિયેશન તરફથી યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું. મસ્જિદ બંદરની માર્કેટમાં દિવાળીના અવસરે અસોસિયેશન દ્વારા ચાલી રહેલા `મુંબઈ મેવા-મસાલા મહોત્સવ' કમિટીના અધ્યક્ષ યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે ગ્રાહકોને અમે એક હજાર રૂપિયાની ખરીદી માટે આ મહોત્સવ દરમિયાન ઇનામી કૂપન આપીએ છીએ અને કાર, સ્કૂટર, એલસીડી ટીવી, લૅપટોપ સહિતના દસ લાખ રૂપિયાના ઇનામો જાહેર કરાયા છે. આ યોજનાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જથ્થાબંધ અને છૂટક વેપારમાં સરેરાશ કરતાં ત્રીસ ટકાનો સંતોષજનક વધારો છે.
કૉર્પોરેટ કંપનીઓ તેમ જ લોકો દિવાળી અને નવ વર્ષના અવસરે સ્ટાફ કે સ્વજનોને મીઠાઇ અને ચૉકલેટ તેમ જ ડ્રાય ફ્રૂટ્સના પેકેટ્સ આપે છે. એવા બિઝનેસ વિશે યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે મીઠાઇ મર્યાદિત સમયમાં આરોગી જવી પડે છે અને ચૉકલેટ તો વર્ષભર અન્ય પ્રસંગોમાં પણ પ્રચલિત છે. લોકો હવે સ્વાસ્થ્ય અંગે પણ જાગૃત થયા છે અને મીઠાઇ અને ચૉકલેટના ભાવમાં ડ્રાય ફ્રૂટ્સ પણ મળે છે.
સુકામેવાના ભાવ વિશે યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે અંજીર અને પિસ્તાં મોંઘાં થયા છે, અખરોટ અને દ્રાક્ષના ભાવમાં પણ થોડો વધારો થયો છે. જોકે, કાજુના ભાવ સ્થિર છે જ્યારે બદામ સસ્તી થયાથી સરવાળે ભાવ સ્થિર રહ્યો છે. અગાઉ છ ટકા વૅટ અને સાડા પાંચ ટકા અૉક્ટ્રોય હતી તેના બદલે હવે જીએસટી બે સ્લૅબમાં છે. બદામ, પિસ્તાં જેવા વિદેશી ડ્રાયફ્રૂટ્સ પર બાર ટકા જ્યારે કાજુ, કિસમિસ, અખરોટ જેવા ભારતીય મેવામાં પાંચ ટકા જીએસટી લાગે છે. જોકે, નોટબંધી અને જીએસટીના અમલ બાદ મસ્જિદ બંદરની તમામ બજારોમાં પારદર્શીતાના કારણે અને સમાન કરવેરાના કારણે દેશ-વિદેશમાં બિઝનેસ વધ્યો છે. ગુણવત્તાવાળા મેવામાં સ્પર્ધાત્મકતા આવી છે અને મુંબઈની આ બજાર અગાઉથી જ મેવા-મસાલા માટે જાણીતી છે. હવે વાશીની જથ્થાબંધ માર્કેટના કેટલાય વેપારીઓ પણ મસ્જિદમાં પોતાનો બિઝનેસ લાવ્યા છે. સરવાળે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અમારા બિઝનેસમાં પ્રગતિ થઇ છે. હવે દેશના અન્ય રાજ્યોમાં પણ મસ્જિદ બંદરની અમારી બજારનો સામાન જવાનું વધતું જાય છે. 
મૉલ તેમ જ અૉનલાઇન કલ્ચર વિકસતા બિઝનેસ પર અસર વિશે યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે સમય પારખીને અમે મસ્જિદ બંદરની આખી માર્કેટને જ અૉનલાઇન કરવા માટેના પ્રયાસોમાં છીએ, આ માટે જ અમે આ વર્ષે મેવા-મસાલા મહોત્સવ રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે માત્ર અૉનલાઇન નહીં અમારી બજારને લાઇવલાઇન પર લઇ જવાના છીએ. બસ આવો અમારી માર્કેટની મુલાકાત લો, ગુણવત્તાસભર ડ્રાયફ્રૂટ્સ અને મસાલાનો સ્વાદ લો અને ગમે તો બાદમાં ખરીદો. આ સિદ્ધાંત પર અમે કામ કરી રહ્યાં છીએ.
મુંબઈની અમારી આ માર્કેટના જૂના અને વિશ્વાસુ વેપારીઓના ગ્રાહકો દેશભરમાં છે, તેમના સુધી અમે પહોંચવાના પ્રયાસમાં છીએ. દેશભરમાં અમારા જથ્થાબંધ ગ્રાહકો સુધી ડિલિવરીની સિસ્ટમ વિકસાવીશું અને મુંબઈગરાઓને હૉમ ડિલિવરી પણ કરીશું.
હાલમાં ડ્રાય ફ્રૂટ્સ પણ લોકો પસંદ કરે છે, એ વિશે યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે આફ્રિકા અને ટાંન્ઝાનિયાનો આ બિઝનેસ હવે ધીમે-ધીમે આપણા સુધી પહોંચ્યો છે, પરંતુ હજુ તેની શરૂઆત છે. કાશ્મીરના કેટલાંક બિઝનેસમેને સફરજન સહિતના ફ્રૂટ્સનો આવો બિઝનેસ શરૂ કર્યો છે. ભારતના ફ્રૂટ્સ પણ આ બિઝનેસની સ્પર્ધામાં પાછળ નહીં રહે એટલું તો કહી જ શકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer