દિવાળીના સમયે બજારમાં રોકડ સિવાય ધંધો નહીં

દિવાળીના સમયે બજારમાં રોકડ સિવાય ધંધો નહીં
અમદાવાદના વેપારીઓનો વડા પ્રધાનને પત્ર :  વેપારીઓની વર્કિંગ કૅપિટલ ટૅક્સમાં બ્લૉક 

વિક્રમ સોની તરફથી
અમદાવાદ,  તા. 3 : દિવાળીના સમયે વેપારીઓને સામાન્ય સંજોગોમાં નાણાંની છૂટ હોય છે, પરંતુ આ વર્ષે નોટબંધી અને ત્યાર બાદ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) લાગુ પડયા બાદ વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલ કોઈ પણ વેપારી રોકડ સિવાય ધંધો કરવા તૈયાર નથી અને જે ખમતીધર પાર્ટી છે તેઓ ક્રેડિટ પર માલ આપે છે, પણ તેમનાં નાણાં પણ સલવાઈ જવાના કિસ્સા વધી ગયા છે એટલે હવે લગભગ રોકડમાં વેપાર થઈ ગયો છે. દિવાળીના સમયે વેપારીઓની કર્મચારીઓ તેમ જ ગુમાસ્તાઓના ઘરમાં મુશ્કેલી ન સર્જાય એ માટે ઘરવખરીની કિટ બનાવીને મસ્કતી માર્કેટ મહાજનના ચૅરમૅન ગૌરાંગ ભગત અને પ્રોસેસ હાઉસના વાઇસ પ્રેસિડેન્ટે મહાજન તરફથી 2000 જેટલી કિટની વહેંચણી કરી  છે. આવું ઘણી બજારોમાં કરવામાં આવ્યું છે.
હમણાં જ અમદાવાદના વેપારી મહામંડળના આગેવાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમના પ્રશ્નો બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારી યોગ્ય કાર્યવાહી કરવા હુકમ આપે. તેમણે જણાવ્યું છે કે બજારમાં હાલમાં વેપારીઓની ધંધાની વર્કિંગ કૅપિટલ કૅપિટલ ટૅક્સમાં બ્લૉક થઈ રહી છે એ માટે વેપારીઓને કૅપિટલ પૈકી વ્યાજમાં બે ટકા સબસિડી આપવી  જોઈએ. મોટા ભાગના વેપારીઓ પોતાના મિત્રવર્તુળ અને સગાંસંબંધીઓ પાસેથી ઉછીનાં નાણાં લઈને ધંધો કરે છે. જીએસટીના અમલ બાદ પેમેન્ટના પ્રશ્નો વધી ગયા છે. ઈ-વે બિલ આવ્યા બાદ જે વેપારીઓ 20 લાખથી ઓછું ટર્નઓવર કરે છે તેઓને ટ્રાન્સપોર્ટ સહકાર આપતો નથી. ઈ-વે બિલની લિમિટ 50,000 રૂપિયાથી વધારીને બે લાખ કરવા વિનંતી કરી છે. 
વેપારમાં પેમેન્ટ અને ક્રેડિટનો સમય અગાઉ 60 દિવસનો હતો એ 120 દિવસનો થયો છતાં વેપારી આપી શકતો નથી અને ઠગાઈના કિસ્સા વધી ગયા છે એથી વેપારી હવે રોકડમાં વેપાર કરતો થયો છે, પણ એનાથી ધંધાને અસર થઈ છે, ધંધો થતો નથી. વિશ્વબજારમાં અહીંનો વેપાર સ્પર્ધામાં ટકી શકે એમ નથી. વેપારમાં નાણાંની તરલતા રહે એ માટે ઇન્કમ-ટૅક્સની ટકાવારીના સ્લૅબ ઘટાડવા અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ દ્વારા ટ્રેડર્સ અને ઉદ્યોગને બળ મળે એમ કરવા વિનંતી કરી છે. દરમ્યાન અમદાવાદના વેપારીઓને વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત વેપારી મહામંડળની સાથે રહી એને સફળ બનાવવા સરકારે કામગીરી સોંપી છે. 90 ટકા સ્ટૉલ અત્યારથી જ બુક થઈ ગયા હોવાનું જણાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer