દિવાળીમાં વેપાર-ધંધામાં તેજી છે કે મંદી? તમને શું લાગે છે?

દિવાળીમાં વેપાર-ધંધામાં તેજી છે કે મંદી? તમને શું લાગે છે?
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 3 : આ વરસની દિવાળીમાં વેપાર-ધંધામાં તેજી છે કે મંદી? એવો પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. પ્રકાશ અને ખુશીના પર્વ દિવાળીમાં વેપારમાં તેજી રહે, ધમધોકાર વેપાર થાય એવું વેપારીઓ ઈચ્છતા હોય છે, કારણ કે આપણી પરંપરા મુજબ દેશનું આ શિરમોર પર્વ છે અને ગરીબથી માંડીને તવંગર લોકો તેમની શક્તિ મુજબ ખુશીથી આ તહેવાર મનાવતા હોય છે.
8 નવેમ્બર, 2016ના રોજ પ્રથમ નોટબંધી અને વર્ષ 2017માં જીએસટીના અમલ બાદ વેપારની પેટર્નમાં ફરક આવ્યો છે. કાળાં નાણાંનું ચલણ ઘટી ગયું છે. બધી ચીજોમાં અૉનલાઈન વેપાર વધી રહ્યો છે. એમ કહેવાય કે લોકોના ખિસ્સામાં પૈસા નથી, પરંતુ તેમના પૈસા બૅન્કોમાં છે. લિક્વિડિટી ક્રન્ચ (નાણાંની તરલતા) હોવાનું પણ વેપારીઓ કહી રહ્યા છે ત્યારે કાપડ, તૈયાર વસ્ત્રો, સૂકા મેવા, મીઠાઈના કેટલાક વેપારીઓ સાથે થયેલી વાતચીતમાંથી પણ આવો સૂર નીકળી રહ્યો છે.
જોકે, આ વર્ષે સૌથી સારો વેપાર જો કોઈ ચીજમાં હોય તો તે સૂકા મેવામાં છે. જોકે, અન્ય રિટેલ વેપારોમાં પણ મંદી તો નથી જ.
મુંબઈ ડ્રાયફ્રૂટસ એન્ડ ડેટસ મરચન્ટસ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ ભુતાએ જણાવ્યું હતું કે આ દિવાળીમાં સૂકા મેવાનો જથ્થાબંધ વેપાર સારો રહ્યો છે. ભાવ વાજબી સપાટીએ રહ્યા છે. તે ઉપરાંત જીએસટીના અમલ બાદ મુંબઈનો સૂકા મેવાનો વેપાર લગભગ 50 ટકા વધી ગયો છે. એક સમયે મુંબઈ ડ્રાયફ્રૂટસનું ટર્મિનલ હતું. પછી ધીમેધીમે એ ટર્મિનલ દિલ્હી થઈ ગયું હતું, પરંતુ સૂકા મેવા પર જીએસટી લાગુ પડયા બાદ ફરી વેપાર મુંબઈમાં ખેંચાઈ આવ્યો છે અને તે ટર્મિનલ બની ગયું છે.
મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે આ દિવાળીમાં રિટેલના વેપાર ઘણા સારા રહ્યા છે.  પગારદારોને પગાર અને બોનસ આવી ગયા છે અને એવા સમયે જ દિવાળી આવવાથી નાનામાં નાનો માણસ પણ તેના પરિવાર માટે કંઈને કંઈ ખરીદી કરી રહ્યો છે. બધી ચીજોમાં ભાવ પણ વાજબી છે. કુર્લા જેવા વિસ્તારમાં પણ લોકો ઓછીવત્તી માત્રામાં ડ્રાયફ્રૂટસ પણ ખરીદી રહ્યા છે અને આ વરસે ઘણો સારો માહોલ વર્તાય છે.
શહેરની જાણીતી મસાલા કંપની મિલન મસાલાના માલિક કાંતિભાઈ મસાલાવાળાએ કહ્યું હતું કે આ દિવાળીમાં મેવા મસાલાનો સારો વેપાર થઈ રહ્યો છે. ભાવ પણ વાજબી સપાટીએ રહ્યા છે તેમ જ સારો માહોલ વર્તાય છે. અમારી બજારમાં મંદીનું કોઈ ચિહ્ન જણાતું નથી. લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે.
દરમિયાન સોના-ચાંદીમાં પણ ધનતેરસે જોરદાર ઘરાકી નીકળવાની અપેક્ષા શહેરના જ્વેલર્સ સેવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા એકાદ-બે દાયકાથી તળ મુંબઈની વસતિ પરાંમાં સ્થળાંતર કરી રહી છે. પરિણામે બોરીવલી, મલાડ, કાંદિવલી, પાર્લા, સાન્તાક્રુઝ, અંધેરી, ગોરેગામ, ચેમ્બુર, ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ, લોખંડવાલા, પવઈ વગેરે પણ બિઝનેસ હબ બની ગયા છે. ત્યાં બધી જ વસ્તુઓ મળે છે. 
લોકો નાની-મોટી ખરીદી ત્યાંથી કરી લે છે.
આમ વેપાર-ધંધાનું ડિસેન્ટ્રલાઈઝેશન (વિકેન્દ્રીકરણ) થયું છે. ઝવેરી બજારનો જ દાખલો લો. હવે બોરીવલી, મુલુંડ, ઘાટકોપર, મલાડ જેવાં પરાંમાં જાણે મિની ઝવેરી બજાર બની ગયાં છે. લોકો ત્યાંથી જ ખરીદી કરી લેતા હોય છે. આવી રીતે રેડીમેડ ગાર્મેન્ટ, ઈમિટેશન જ્વેલરનું પણ છે.
એકંદરે  મહાનગર મુંબઈમાં દિવાળીનો માહોલ બરાબર જામ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer