ટી20માં કેરેબિયન ટીમ બનશે પડકાર

ટી20માં કેરેબિયન ટીમ બનશે પડકાર
ધોની અને કોહલીની ગેરહાજરીમાં રોહિતને સુકાન : બ્રાવો, પોલાર્ડ અને આંદ્રે રસેલની વાપસીથી વિન્ડિઝ ટીમનું મનોબળ મજબૂત બન્યું
 
કોલકાતા, તા. 3 : ભારતીય ટીમ પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની વિના રવિવારે ઈડન ગાર્ડનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીની પહેલી ટી20 મેચ રમશે. જો કે કેપ્ટન વિરાટ કોહલીને ધોનીની ગેરહાજરી ધોનીયુગની સમાપ્તિ હોવાની વાત નકારી હતી. બે વખતના વિશ્વકપ વિજેતા કેપ્ટન ધોનીને ભારતીય ટી20 ટીમમાંથી બહાર કર્યાના અઠવાડીયા બાદ કોહલીએ કહ્યું હતું કે, ધોની ભારતની રણનીતિનો અભિન્ન ભાગ છે.આ ઉપરાંત ટી20મા કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરવાનો છે. પરંતુ ટી20 દિગ્ગજોની વાપસી સાથેની કેરેબિયન ટી20 ટીમને હરાવવી સરળ રહેશે નહી. 
જેસન હોલ્ડરના નેતૃત્વની વિન્ડિજની ટીમને ટેસ્ટ શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ પાંચ વનડેની શ્રેણી પણ ભારતે 3-1થી પોતાના નામે કરી હતી. જો કે કાર્લોસ બ્રેથવેટની આગેવાનીની કેરેબિયન ટી20 ટીમને હરાવવી ભારત માટે સરળ રહેશે નહી. બ્રેથવેટે અગાઉ ચાર છગ્ગા ફટકારીને 2016માં વેસ્ટ ઈન્ડિઝને બીજો ટી20 વિશ્વકપ અપાવ્યો હતો. આ ઉપરાંત ટી20 ટીમમાં ડેરેન બ્રાવો, કાયરોન પોલાર્ડ અને આંદ્રે રસેલની પણ વાપસી થઈ છે. 2009થી 2017 સુધીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 8 ટી20માંથી વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચમાં જીત મેળવી હતી. જેમાંથી છેલ્લા ચાર મેચોમાં બ્રેથવેટની ટીમને ભારત હરાવી શક્યું નથી. આ જ કારણથી રોહિત માટે કેરેબિયન ટીમને હરાવવી સરળ રહેશે નહી. 
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક,  મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત,  કૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર,  યજૂર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, શાહબાજ નદીમ
વેસ્ટ ઈન્ડિઝ – કાર્લાસ બ્રેથવેટ (કેપ્ટન),  ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, કીમો પાલ, કેરોન પોલાર્ડ, દિનેશ રામદિન, આન્દ્રે રસેલ,  શેરફેન રદરફોર્ડ, ઓશાને થોમસ, ખારી પિયરે, ઓબેદ મેકાય, રોમેન પોવેલ,  નિકોલસ પુરાન

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer