2019થી હોકી 5-5 ખેલાડીઓની રમત બનવાની અટકળને રદિયો આપતું એફઆઈએચ

2019થી હોકી 5-5 ખેલાડીઓની રમત બનવાની અટકળને રદિયો આપતું એફઆઈએચ
નવી દિલ્હી, તા. 3 : સમર ઓલિમ્પિકમાં હોકીના પારંપરિક સ્વરૂપને બદલીને પાંચ ખેલાડીઓનો કરવામાં આવશે તેવી અટકળોને ઈન્ટરનેશલ હોકી ફેડરેશનના સીઈઓ થિયરી વેઈલે ફગાવી છે. હોકીના નવા પ્રારૂપને થોડા સમય અગાઉ જ બ્યૂનસ આયર્સમાં સંપન્ન થયેલા યૂથ ઓલિમ્પિકમાં અજમાવવામાં આવ્યો હતો.  આ નવા ફોર્મેટથી હોકી વધુ રોચક બને તેવો હેતુ છે. જેમાં એક ટીમમાં 11 ખેલાડીઓને બદલે ગોલકિપર સહિત 5 ખેલાડીઓ રાખવામાં આવશે. પરંતુ થિયરી વેઈલના કહેવા પ્રમાણે હોકી ફેડરેશન કે ઓલિમ્પિક કમિટિ અત્યારે હોકીના નવા પ્રારૂપને જ અમલી બનાવવાની કોઈ તૈયારીમાં નથી. જેના કારણે હોકી 11-11 ખેલાડીઓની જ રમત રહેશે. જો કે 2019માં આયોજનબદ્ધ રીતે 5-5 ખેલાડીઓની હોકીગેમને પ્રમોટ કરવામાં આવશે. 
ઈન્ટરનેશલ હોકી ફેડરેશનની નવી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસીય કોંગ્રેસ દરમિયાન ક્યાસ લગાડવામા આવી રહ્યા હતા કે આ બેઠકમાં હોકીના ભવિષ્યને લઈને મહત્ત્વના નિર્ણય કરવામાં આવશે. પરંતુ વેઈલે સ્પષ્ટ કર્યું હતું કે, આવા કોઈપણ ફેરફાર કરવામાં આવશે નહી.  બ્યૂનર્સ આયર્સના 5-5ના ફોર્મેટ અંગે થિયરી વેઈલે કહ્યું હતું કે, નવુ પ્રારૂપ ખુબ સફળ રહ્યું હતું અને દર્શકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. હોકીને પ્રોત્સાહન આપવા માટે આ એક અસરકારક નિર્ણય બની શકે છે. આ વાતથી સ્પષ્ટ થયું કે, 2019માં હોકી ફેડરેશન નવા પ્રારૂપને પ્રમોટ કરવા માટે ટૂર્નામેન્ટ યોજી શકે છે. તેમજ આ એવુ ફોર્મેટ બની રહેશે જેમાં મોટી સંખ્યામાં દર્શકો પણ એકઠા થશે. થિયરીના કહેવા પ્રમાણે પહેલા નક્કી કરવામાં આવશે કે કઈ ટીમ હોકીના નવા પ્રારૂપમાં ભાગ લેવા માટે તૈયાર છે. ત્યારબાદ આ પ્રારૂપ અંગે લોકો મત મેળવવામાં આવશે અને સ્પોન્સર કોણ બનવા તૈયાર છે તે પણ જાણવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer