અન્ય નાયબ ગવર્નર વિશ્વનાથન પણ સરકારના તર્ક સાથે અસંમત

આરબીઆઈ-સરકાર વચ્ચે વકરતો વિવાદ
 
નવી દિલ્હી, તા.3: રીઝર્વ બેન્કે સરકાર સાથેના તેના મતભેદોની વાતો જાહેર કર્યા મુદ્દે નાણાં મંત્રાલય દ્વારા રોષ પ્રગટ કર્યા બાદ મંત્રાલયના એક ટોચના અધિકારીએ જ વિવાદોની વાતો નવી ઢબે વહેતી કરી છે. આથી સરકાર અને આરબીઆઈ વચ્ચેનો ટકરાવ વધવા આશંકા તીવ્ર બને છે. 
આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે આરબીઆઈના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાન બાબતે ટકોર કરી હતી. તેના થોડા જ કલાક પછી આરબીઆઈએ તેની વેબસાઈટ પર એક અન્ય નાયબ ગવર્નર એનએસ વિશ્વનાથને જમશેદપુર એક્ષએલઆરઆઈમાં આપેલું વ્યાખ્યાન અપલોડ કર્યું હતું, જેમાં મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવાના સરકારના તર્ક પર કટાક્ષ કરતા જોવા મળે છે. વિશ્વનાથને એ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આનાથી તો બેન્કોની મજબૂતીનો ઢંઢેરો પીટાઈ જશે.
હકીકતે આરબીઆઈ સાથે સરકારના સંબંધોની દેખરેખ રાખવાની જવાબદારી ગર્ગની છે, પરંતુ તેમણે તો વિરલ આચાર્યના નિવેદન અનુસંધાને એવી ટિપ્પણી કરી કે મધ્યસ્થ બેન્કની સ્વાયત્તતાનું સમ્માન ન કરનારી સરકારોએ આજે કે કાલે નાણાં બજારોના આક્રોશનો સામનો કરવો પડે છે. ગર્ગની આવી ટિપ્પણીએ તો વિવાદને ઓર ઉત્તેજન આપવા જેવું કર્યું છે.
ગર્ગે આચાર્યની હાલની ટિપ્પણી પર વ્યંગ્ય કરતા જણાવ્યું હતું કે આ સમયે તો બૃહદ આર્થિક સંકેતકોમાં સુધાર જ જોવા મળે છે અને વિનિમય દર 73 રૂ. પ્રતિ ડોલરથી ય મજબૂત થયો છે. ગર્ગે શુક્રવારે ટવીટ કર્યું હતું કે ડોલરના મુકાબલે રૂપિયો 73થી નીચા દરે ટ્રેડ કરી રહ્યો છે, બ્રેન્ટ ક્રૂડ 73 ડોલરથી નીચે ગયો છે, સપ્તાહ દરમિયાન બજાર 4 ટકા ઉપર રહ્યું અને બોન્ડની ઉપજ 7.8 ટકાથી નીચી ગઈ. શું આ બજારોનો આક્રોશ છે ?
આચાર્યથી વિપરીત વિશ્વનાથન કરીઅર બેન્કર છે અને તેઓ પણ, બેન્કોને કરજ આપવાની ક્ષમતા વધારવાના સરકારના તર્કો સાથે સહમત હોય તેમ નથી જણાતું.વધુ કરજ આપવું ઉચિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં એ જોવા મળ્યું છે કે બેન્કોમાં ફન્ડ વધારીને કરજ આપવાની રફતાર તેજ કરવાથી કંપનીઓ કરજમાં ફસાઇ જાય છે જેની સીધી અસર બેન્કિંગ સિસ્ટમમાં એનપીએની વૃદ્ધિ રૂપે જોવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer