વડા પ્રધાન મોદીએ કાવતરું ઘડયું હોવાનો ખડગેનો આક્ષેપ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : ખડગેની અરજીમાં જણાવાયું છે કે વધુ મહત્ત્વનું અસાઇનમેન્ટ સંભાળવા સહિત અસાધારણ પરિસ્થિતિમાં સીબીઆઈના વર્તમાન ડિરેક્ટરની બદલી સિલેકશન કમિટીની મંજૂરી ધરાવતી હોવી જોઈએ. અરજીમાં વધુમાં જણાવાયું છે કે અરજદાર બંધારણીય સમિતિના સભ્ય હોવા છતાં ન તો તેમની સાથે સલાહ મસલત કરાઈ હતી અને ન તો સીબીઆઈના ડિરેક્ટર તરીકે આલોક વર્મા પાસેથી તેમની સત્તાઓ પાછી લઈ લેવાની કોઈ પણ મિટિંગનો તેઓ ભાગ હતા.
કૉંગ્રેસના પીઢ નેતા જણાવે છે કે આલોક વર્મા પાસેથી સત્તાઓ, કામગીરી અને ફરજો પાછી ખેંચી લેવાનું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને ડિપાર્ટમેન્ટ અૉફ પર્સોનેલ ઍન્ડ ટ્રેનિંગનું પગલું સીબીઆઈના ડિરેક્ટરની સ્વતંત્ર કામગીરીને અવરોધવાનો સીધો અને નક્કર પ્રયાસ છે.
ખડગેના પક્ષ કૉંગ્રેસે વડા પ્રધાન મોદીની સામે એવો આક્ષેપ કર્યો છે કે ચીફ વિજિલન્સ કમિશન અને ડિપાર્ટમેન્ટ અૉફ પર્સોનેલ ટ્રેનિંગની સાથે મળીને તેમણે અબજો રૂપિયાના રફાલ ફાઇટર જેટ સોદાની આલોક વર્મા તપાસ શરૂ કરે તે અગાઉ તેમની સત્તાઓ છીનવી લેવા `કાવતરું' ઘડયું છે.
જોકે સરકારે એવું વલણ જાળવી રાખ્યું છે કે આલોક વર્માની વિરુદ્ધ લાંચના આક્ષેપોની તપાસ કરવામાં ચીફ વિજિલન્સ કમિશનને મદદરૂપ થવા માટે તેમની વિરુદ્ધ આ પગલું લેવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer