ફરી ખૂલશે સબરીમાલાના કપાટ

પાંચમી નવેમ્બરે વિશેષ પૂજા પહેલાં સંવેદનશીલ વિસ્તાર છાવણીમાં તબદીલ: 5000 જવાનો તહેનાત
 
તિરુવનંતપુરમ, તા. 3: કેરળનો સબરીમાલા વિવાદ હજી ટાઢો પડયો નથી તેવામાં આગામી 5મી નવેમ્બરથી મંદિરના કપાટ વિશેષ પૂજા માટે ખૂલવા જઈ રહ્યા છે. જેને ધ્યાને રાખીને કેરળના સંવેદનશીલ વિસ્તારોમાં ત્રણ દિવસ માટે ધારા 144 લાદવામાં આવી છે તેમજ મંદિરના કપાટ ખોલતા સમયે ઘર્ષણની નોબત ન આવે તે માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો છે અને શનિવારની સાંજથી જ પોલીસના 5000 જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 
અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ 10થી 50 વર્ષની વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહોતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હિંસક તોફાનો પણ થયાં હતાં. જેને લઈને પ્રશાસને 4થી 6 નવેમ્બર સુધી સન્નીધમન, પંબા, નિલાક્કલ અને ઈલાવંકુલમાં 144ની કલમ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગયા મહિને થયેલા પ્રદર્શન દરમિયાન 3505 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે પાંચમી નવેમ્બરના રોજ મંદિર ખૂલશે ત્યારબાદ 16 નવેમ્બરથી બે મહિનાના નિયમિત વાર્ષિક યાત્રા માટે ફરીથી ખૂલશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer