ભીના કચરાના નિયમોનું ઉલ્લંઘન : જુહુની 21 સોસાયટીને દંડ

મુંબઈ, તા. 3 : જુહુ-વર્સોવામાં આવેલી 21 હાઉસિંગ સોસાયટીને ભીના કચરો અલગ કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અહીંની લોકલ કોર્ટે ગઈકાલે દંડ ફટકાર્યો હતો.
શહેરમાં આવેલી 915 સોસાયટી પર આ પ્રકારની કારવાઈની તલવાર લટકી રહી છે. જે પૈકી 141 સોસાયટી કે. વેસ્ટ વૉર્ડના જુહુ-ઓશિવરા પટ્ટામાં આવેલી છે.
પાલિકાએ તાજેતરમાં સોસાયટીઓ પાસેથી અમુક ફી લઈ ભીનો કચરો એકઠો કરવા માટેની ડ્રાફ્ટ દરખાસ્ત તૈયાર 
કરી હતી.
આસિ. મ્યુ. કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે `અમે છેલ્લા છ મહિનાથી આ સોસાયટીઓ સાથે ફોલો-અપ કરી રહ્યા છીએ અને તેમને નોટિસો પણ મોકલી છે પરંતુ તેઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી અમારે કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન ફરિયાદ નોંધાવવી પડી છે.'
દરરોજ 100 કિલોથી વધુ કચરો કરનારી અથવા 20,000 ચો.મી.થી વધુ ફેલાવો ધરાવતી સોસાયટીઓને ભીના કચરાનું પ્રોસેસિંગ કરવા માટે કોમ્પોસ્ટીંગ યુનિટો ઊભા કરવા જરૂરી છે. પાલિકાએ આવી સોસાયટીઓમાંથી કેવળ સૂકો કચરો ઉપાડવાનો નિર્ણય લીધો છે. જોકે અનેક ચેતવણીઓ છતાં 3374 પૈકી કેવળ 1500 બલ્ક જનરેટર્સ જ આ નિયમનું પાલન કરે છે.
ફિલ્મસર્જક અશોક પંડિતે જણાવ્યું હતું કે `દંડ ફટકારવાથી આ સમસ્યાનો અંત નહીં આવે. નાગરિકોએ વેસ્ટ સેગ્રીગેશનના નિયમોનું પાલન કરવું જરૂરી છે પરંતુ સત્તાવાળાઓએ સોસાયટીના સભ્યો સાથે બેસી તેમાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ સમજવી પણ તેટલી જ જરૂરી છે.
આ પ્રક્રિયામાં જોડાયેલા અૉફિસરોનું એમ કહેવું છે કે અનેક સોસાયટીઓએ એવું વલણ અપનાવ્યું છે કે કચરો એકઠો કરવાની જવાબદારી પાલિકાની છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer