જસદણ બેઠક પર મહા જંગ

ભાજપે જમ્બો ટીમ રચી, કૉંગ્રેસ પણ બાવળિયાને હરાવવા મેદાને

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.3: જસદણની પેટા ચૂંટણી માટે ભાજપે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. ભાજપે એક બેઠક માટે જમ્બે ટીમની રચના કરી છે, જેમાં  રાજ્યસરકારના બે પ્રધાન સૌરભભાઇ પટેલ અને જયેશ રાદડિયા ઉપરાંત મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા, કિરીટસિંહ રાણા, બાબુભાઇ  જેબલિયા, ગોવિંદભાઇ  પટેલ, આર.સી.મકવાણા, નીતિન ભારદ્વાજ, રમેશ મગર, અમોહ શાહ, જયંતિ ઢોલ, ભરત બોઘરા, પ્રકાશ સોની જેવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જસદણ બેઠક પર હીરા સોલંકી  મુખ્ય ઇન્ચાર્જ રહેશે. 
જસદણ એ કૉંગ્રેસનો ગઢ છે, અત્યાર સુધીમાં આ બેઠક પરથી બાવળિયા જીતતા આવ્યા છે. હવે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાને હરાવવા કૉંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવશે તેવા અંદેશાથી ભાજપ કોઇ કસર છોડવા માગતો નથી અને કુંવરજી બાવળિયાને વિજયી બનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. કુંવરજી બાવળિયા કોળી નેતા છે. ભાજપ માટે અતિ અગત્યના નેતા હોવાથી ભાજપે પ્રધાન બનાવીને ભાજપમાં લીધા છે. સૌરાષ્ટ્રમાં બાવળિયાનું વર્ચસ્વ છે. ભાજપ બાવળિયા માટે કોઇ જોખમ લેવા માગતી નથી. જેને પગલે ભાજપના બે પ્રધાનો સહિત નેતાઓને પણ તેમને જીતાડવાની જવાબદારી સોંપાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer