ચાર વર્ષમાં કરદાતાઓની સંખ્યા 70 ટકા વધી

નવી દિલ્હી, તા. 3 : ભારતીય કરદાતાઓની કુલ કમાણી નાણાકીય વર્ષ 2014-2017 દરમિયાન 67 ટકા વધી રૂા. 44.9 લાખ કરોડની થઈ છે. આમ નોટબંધી અને કાળાં નાણાં વિરુદ્ધની ઝુંબેશના પરિણામે ટૅક્સ બેઈઝ વધુ વિસ્તૃત થયો છે અને આવકની વધુ પ્રામાણિકતા જાહેર થઈ રહી છે.
કોર્પોરેટ, ફર્મ, એચયુએફ વગેરે સહિતના કુલ કરદાતાઓની સંખ્યા વધી છે. રૂા. 1 કરોડથી વધુની આવક દર્શાવનારા કરદાતાઓની સંખ્યા જે 2014-'15માં 88,649 હતી તે 2017-'18માં વધી 1,40,139 થઈ છે. આમ 60 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એ જ રીતે રૂા. એક કરોડથી વધુની આવક દર્શાવનારા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા આ ગાળામાં 48,416થી વધી 81,344 થઈ છે, જે 68 ટકાનો વધારો દર્શાવે છે.
ફાઈલ થતા રિટર્નની સંખ્યા જે 2014ના બેઈઝ વર્ષમાં 3.79 કરોડ હતી તે 2018માં વધી 6.85 કરોડ થઈ છે. આમ તેમાં 80 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. વ્યક્તિગત કરદાતાઓ જે ઈ-રિટર્ન ફાઈલ કરે છે તેમની સંખ્યા 70 ટકા વધી છે. આમ છતાં તેમણે ભરેલા સરેરાશ ટૅક્સમાં ઘટાડો નોંધાયો છે.
પગારદાર કરદાતાઓની સંખ્યા 1.7 કરોડથી વધીને 2.33 કરોડ થઈ છે, જે 37 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તેમણે જાહેર કરેલી સરેરાશ આવક પણ નવ ટકા વધી છે. 2016-'17માં રૂા. 100 કરોડથી વધુની વાર્ષિક પગારની આવક દર્શાવનારા માત્ર બે વ્યક્તિઓ જ હતી, જ્યારે આગલા વર્ષે પાંચ વ્યક્તિઓ હતી. રૂા. 50થી 100 કરોડના પગારની આવકવાળી અન્ય 23 વ્યક્તિઓ હતી અને રૂા. 25થી 50 કરોડના પગારની આવક ધરાવતી 88 વ્યક્તિઓ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer