છૂટાછેડા લેવાના તેજપ્રતાપના નિર્ણયથી લાલુપ્રસાદને આઘાત

પટણા, તા. 3 : રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે છૂટાછેડાની અરજી કરી હતી, જેને તેમણે સત્તાવાર સમર્થન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે, `ઘૂંટાઇને જીવવાનો ફાયદો શું?' લગ્નના માત્ર છ મહિનાના સમયગાળામાં જ પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવાના પુત્ર તેજપ્રતાપના નિર્ણયથી પિતા લાલુપ્રસાદને ભારે આઘાત લાગ્યો હતો અને તેમની તબિયત પણ બગડી હતી.
તેજપ્રતાપે કહ્યું હતું કે, `હા, આ સાચું છે કે, મેં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. ઘૂંટાઇ- ઘૂંટાઇને જીવવાનો તો કોઇ ફાયદો નથી.' શુક્રવારે તેજપ્રતાપે પટણાની સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેજ અને ઐશ્વર્યાનાં લગ્નને માત્ર છ મહિના જ થયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેની વચ્ચે બધું સમુંસૂતરું નહોતું ચાલી રહ્યું. આ પહેલાં તેજપ્રતાપના વકીલે પણ છૂટાછેડાની અરજી દાખલ કરવાની વાતને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાનાં લગ્ન ગત મે માસમાં થયાં છે. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકારાય પૂર્વ મંત્રી અને આર.જે.ડી.ના નેતા છે. તેજપ્રતાપનાં આ હાઇપ્રોફાઇલ લગ્નમાં અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી, ઉપરાંત લાલુ યાદવ પણ લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ પર બહાર આવ્યા હતા.
તેજપ્રતાપના વકીલ યશવંત- કુમારના જણાવ્યા અનુસાર, છૂટાછેડા માટેની અરજી તેજપ્રતાપ તરફથી થઇ છે. તેમણે આ કેસ અંગે વધુ વિગતો આપવાનો ઇન્કાર કરી માત્ર એટલું જણાવ્યું છે કે, તેજપ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચે સામંજસ્ય નથી, એટલા માટે તેજપ્રતાપ લગ્ન તોડવા ઇચ્છે છે. જોકે, આ મામલે હવે શું નિર્ણય આવશે તે હાલ કહી શકાય તેમ નથી.
દરમિયાન, રાંચીની હોસ્પિટલમાં હાલમાં સારવાર લઇ રહેલા લાલુપ્રસાદ યાદવને આ ખબર સાંભળીને આંચકો મળ્યો હતો. લાલુ જ નહીં, પણ પરિવારના અન્ય સભ્યો પણ તેજપ્રતાપના નિર્ણયથી હેરાન- પરેશાન છે. તેજપ્રતાપે કોર્ટમાં અરજી કર્યા બાદ તેઓ પોતાના પિતાને મળવા માટે રાંચી રવાના થયા હતા, પણ પરિવારે સમજાવ્યા બાદ તેઓ ગયામાં રોકાઇ ગયા છે. પરિવારના સભ્યો તેજપ્રતાપને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેજપ્રતાપની અરજીની સુનાવણી માટે કોર્ટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer