એચએએલ માત્ર કંપની નહીં, વ્યૂહાત્મક અસ્કયામત છે : રાહુલ

એચએએલ માત્ર કંપની નહીં, વ્યૂહાત્મક અસ્કયામત છે : રાહુલ
બેંગલુરુ, તા.13 (પીટીઆઈ) : એરોસ્પેસ ક્ષેત્રની હિન્દુસ્તાન એરોનોટિકસ લિ. (હાલ)ને વ્યૂહાત્મક અસ્કયામત ગણાવતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશ તેનું ઋણી છે. `હાલ'ના અહીંના એકમ ખાતે વર્તમાન અને પૂર્વ કર્મચારીઓને મળતાં તેમણે જણાવ્યું હતું કે `હાલ' માત્ર એક કંપની નથી,  ભારતને જયારે સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે દેશે ચોકકસ ક્ષેત્રોમાં પદાર્પણ સારુ જે કેટલાક વ્યૂહાત્મક અસ્કયામતોનું નિર્માણ કર્યુ તે પૈકીની  `હાલ' એ ભારતને એરોસ્પેસ ક્ષેત્રમાં લઈ જવા પ્રચંડ કામ કર્યુ છે તે બેમિસાલ હોઈ ભારત તમારું ઋણી છે એમ રાહુલે પૂર્વ અને વર્તમાન કર્મચારીઓને સંબોધતાં જણાવ્યું હતુ.  આ કોઈ સામાન્ય કંપની નથી, આ કંપની સાથે કામ કરવું એ ગર્વની બાબત છે. હાલની કાબેલિયત પર ભરોસો વ્યકત કરતા તેમણે કહ્યુ હતું કે તે `દેશની એકમાત્ર એવી કંપની છે જેની પાસે વિમાન બનાવવાનો અનુભવ છે. રાફેલ સોદા પર અસલ હક તમારો બને છે.'  
દરમિયાન, રાહુલ ગાંધીના વાર્તાલાપ અગાઉ હિન્દુસ્તાન ઍરોનોટિકસ તરફથી શુક્રવારે તેના કર્મચારીઓને કંપનીના હિતમાં વર્તણૂક અને શિસ્ત વિશે તેઓની જવાબદારીઓના રિમાઈન્ડર તરીકે આંતરિક સંદેશો જારી કરાયો હતો. કંપનીના કર્મચારીઓના યુનિયને જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરવાની ઇચ્છા વ્યક્ત કરાઈ હતી, પરંતુ યુનિયન અરાજકીય હોવાથી તેમણે વાર્તાલાપમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો હતો.
કર્ણાટક રાજ્ય કૉંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ ગુંડુરાવે કહ્મું હતું કે આ વાર્તાલાપ કૉંગ્રેસ દ્વારા આયોજિત નહોતો, પરંતુ ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત `અમુક લોકો'એ ચર્ચા માગી હતી જેઓ કંપનીનાં નામનો નાશ કરવાના સરકારના પ્રયાસોથી `વ્યથિત' થયા છે.
કૉંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, એમ. વીરપ્પા મોઈલી, નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વર, ભૂતપૂર્વ પ્રધાન સિદ્ધારમૈયાહ અને કૉંગ્રેસના પ્રવકતા જયપાલ રેડ્ડી વાર્તાલાપમાં હાજર હતા.
36 રફાલ લડાયક વિમાનખરીદી માટે ફ્રાન્સની દસોલ્ત એવીએશન સાથેના રૂ. પ8 હજાર કરોડના સોદામાં ઉત્પાદક કંપનીએ ઓફફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી તે મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. તે અનુસંધાને હાલના કર્મચારીઓ સાથેની મુલાકાતના બહાને રાહુલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. બલકે તેમણે આ તકે એવી ટકોર પણ કરી હતી કે આધુનિક ભારતના સંસ્થાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ કરવા અમે મંજુરી ન આપી શકીએ. (હાલ ભારતની સામરિક સંપત્તિ છે અને રાફેલનો ઓર્ડર હાલ પાસેથી છીનવી અનિલ અંબાણીની કંપનીને ગિફટ કરી દઈને તો દેશની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યને બરબાદ કરાયું છે એમ જણાવતું ટવીટ રાહુલ અગાઉ કરી ચૂકયા છે) સોદો છીનવીને સંરક્ષણ મંત્રીએ તમારું અપમાન કર્યુ છે, હું જાણું છું તેઓ માફી નહીં માગે, પણ તેમના વતી હું માફી માગું છું, હાલના અનુભવના અભાવ અંગે તેઓ નુકતેચીની કરે છે, પણ અનિલ અંબાણી પાસે અનુભવનો અભાવ છે તે વિશે કશું કહેવા તેમની પાસે કશું નથી. તમને વચન આપું છું કે તમારા હક માટે લડીશ.
વાસ્તવમાં રફાલ તમારો અધિકાર છે, વિમાન બનાવવાનો અનુભવ તમને છે એમ જણાવી રાહુલ ગાંધીએ ઉમેર્યુ હતુ કે અંબાણી પાસે ન તો અનુભવ છે, ન તો ક્ષમતા. તેથી મારો સવાલ એ છે કે અંતે અનિલ અંબાણીને આ કોન્ટ્રેકટ શા માટે અપાયો? 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer