નાના પાટેકરે તનુશ્રીને વૅનિટી વૅનમાં બોલાવી એ પછી મામલો બિચક્યો હતો

નાના પાટેકરે તનુશ્રીને વૅનિટી વૅનમાં બોલાવી એ પછી મામલો બિચક્યો હતો
સ્પૉટબૉય રામદાસ બોર્ડે કહે છે, એ દિવસે શું બન્યું હતું એ કોર્ટમાં કહેવા હું તૈયાર છું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, 13 : `હૉર્ન ઓકે પ્લીઝ' ફિલ્મના સેટ પર નાના પાટેકરે મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું એવો આરોપ અભિનેત્રી તનુશ્રી દત્તાએ કર્યો છે. મી ટુ નામની સોશિયલ મીડિયા પરની ચળવળ દરમિયાન તનુશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે નાના પાટેકર પર ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે નાના પાટેકરે એ આક્ષેપોને નકારી કાઢ્યા છે. એ દિવસે જે ફિલ્મના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે હકીકતમાં શું બન્યું હતું એની જાણ કરતાં સેટ પર હાજર રહેલા સ્પૉટબૉય રામદાસ બોર્ડે કહે છે કે નાના પાટેકરે બપોરે 12 વાગ્યે તનુશ્રી દત્તાને વૅનિટી વૅનમાં બોલાવી હતી ત્યાંથી મામલો બિચક્યો હતો.
રામદાસ બોર્ડેએ તનુશ્રીનો પક્ષ લેતાં કહ્યું કે `નાના પાટેકરે બપોરે જ્યારે તનુશ્રીને વૅનિટી વૅનમાં બોલાવી ત્યાર બાદ તે ભડકીને વૅનમાંથી બહાર આવી હતી. પછી તનુશ્રી ડાન્સ-માસ્ટર ગણેશ આચાર્ય પાસે ગઈ અને તેણે પોતાની ફરિયાદ જણાવી. જોકે એ વખતે ગણેશ આચાર્યએ તનુશ્રીને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તનુશ્રી ઇંગ્લિશમાં ભાંડવા માંડી. તનુશ્રી જેકાંઈ બોલી રહી હતી એના પરથી જણાતું હતું કે નાના પાટેકરે કોઈક ગંભીર અને ભૂલભર્યું વર્તન કર્યું હશે. તનુશ્રીનો બોલવાનો મિજાજ એવો જ હતો. સેટ પરના દરેક લોકો તનુશ્રીને સમજાવતા-મનાવતા હતા કે નાના પાટેકરનું નામ મોટું છે. તારી કરીઅર બરબાદ થઈ જશે, પણ તનુશ્રી કોઈનું સાંભળવા તૈયાર નહોતી. તે વધુ ઉગ્ર બનીને મોટે-મોટેથી નાના વિશે સંભળાવતી રહી અને થોડા સમય બાદ ત્યાંથી ચાલી ગઈ. ત્યાર બાદ નાના પાટેકર વૅનિટી વૅનમાંથી બહાર આવ્યા અને જાણે કશું ન બન્યું હોય એમ પૂછવા લાગ્યા, `શું થયું?' પરંતુ શૂટિંગમાં હાજર સ્પૉટબૉયને તેમની રોજીરોટીની ચિંતા હોવાથી તેઓ કશું બોલ્યા નહીં.''
`આ આખું પ્રકરણ હું કોર્ટમાં કહેવા તૈયાર છું' એમ કહેતાં રામદાસ બોર્ડેએ ઉમેર્યું કે ``તનુશ્રી દત્તા સાથે જે બન્યું એ અનેક નવી દાખલ થનારી અભિનેત્રી સાથે અત્યાર સુધી બનતું આવ્યું છે. મને હવે રોજીરોટીની કે મારા જીવની કશી પરવાહ નથી. સત્ય હકીકત લોકોને જાણવા મળે એટલો જ મારો ઉદ્દેશ છે. જે લોકો ગીતના શૂટિંગના સેટ પર હાજર હતા એ દરેકને એવું જ લાગ્યું કે નાના પાટેકરે કોઈક અણછાજતું વર્તન કર્યું છે. તનુશ્રીને પાટેકરે વૅનિટી વૅનમાં બોલાવી ત્યાર બાદ જ બધી મોંકાણ શરૂ થઈ હતી. `એ દિવસે તનુશ્રીએ ડ્રગ્સ લીધું હતું અને ગણેશ આચાર્યનો ફોન આવતાં હું સેટ પર આવી હતી' એવું અભિનેત્રી રાખી સાવંતે કહ્યું હતું. રાખી જૂઠું બોલે છે. તનુશ્રીએ જો ડ્રગ્સ લીધું હોત તો તે ગીતનો ટેક આપી જ શકી ન હોત. રાખી સેટ પર આવી જ નહોતી. કારણ કે ત્યાર બાદ બે દિવસ શૂટિંગ જ થયું નહોતું. બીજી તરફ નાના પાટેકર હવે પૂછી રહ્યા છે કે 300થી વધુ લોકો એ વખતે ગીતના સેટ પર હાજર હતા તો હું તનુશ્રી સાથે અણછાજતું વર્તન કઈ રીતે કરી શકું? સેટ પર કંઈ જ બન્યું નહોતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer