ઉકળાટ હજી વધશે, તાપમાન 37 ડિગ્રી થયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈમાં ઉષ્ણતામાનનો પારો વધીને 37 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચ્યો છે તેથી લોકો ગરમીથી પરેશાન છે. ચોમાસાએ વિદાય લેતાં પાણીજન્ય બીમારીઓનું જોર ઘટયું છે, પણ ભારે ગરમીને લીધે તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, આંખમાં બળતરા, શરીરમાં પાણી ઘટી જવું અને ચામડીના રોગોની ફરિયાદો વધી છે. આગામી દિવસોમાં ઉષ્ણાતામાન હજી વધશે. આજે કોલાબા અને સાંતાક્રુઝમાં ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્શિયસ હતું. ગરમ પવન અને બફારો વધશે તેથી હજી થોડા દિવસ મુંબઈગરા પરસેવે રેબઝેબ થતા રહેશે.
કોલાબા વેધશાળાએ જણાવ્યું છે કે મુંબઈમાં રવિવારે અને સોમવારે મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાન અનુક્રમે 35 ડિગ્રી અને 27 ડિગ્રી સેલ્શિયસ રહેશે.
ચામડીના રોગોના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ગરમીનું પ્રમાણ વધતા ચામડી સંબંધી સમસ્યા વધી રહી છે. સરકારી અને પાલિકાની હૉસ્પિટલોમાં ખંચવાળ અને ત્વચા ઉપર લાલાશ પડતાં ચાંદા જેવી ફરિયાદો લઇને અનેક દરદીઓ આવે છે. આ સંજોગોમાં નાગરિકોએ ઘરની બહાર નીકળતાં હાથ અને ચહેરો ઢાંકી રાખવો જોઇએ. જેથી સૂર્યનાં કિરણો સીધાં શરીર ઉપર પડે નહીં. સનક્રીન ક્રીમ વાપરવાથી તકલીફ ઘટી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer