દિલ્હી પોલીસને મળ્યો મોદીની હત્યા કરવાનો ધમકીભર્યો ઈ-મેઈલ

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની ધમકી આપતો પત્ર દિલ્હી પોલીસને મળતા સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચ્યો છે અને ધમકી આપનારાને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ ધમકી અન્યને નહીં પણ દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકને મોકલવામાં આવી છે.  ધમકીભર્યા ઈમેઈલમાં લખવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને 2019માં મારી નાખવામાં આવશે. 
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઈમેઈલ આસામમાંથી મોકલવામાં આવ્યો છે અને ધમકી આપનારા શખસને ઝડપી પાડવા માટે એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત વડાપ્રધાનની હત્યાની ધમકીભર્યા ઈમેઈલ બાદ દિલ્હી પોલીસ સાથે તમામ સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ ઉપર છે. તેમાં પણ આગામી મહિનાથી પીએમ અલગ અલગ રાજ્યોમા ચૂંટણીને અનુલક્ષીને રેલી કરવાના છે. તેવામાં કોઈ ચૂક ન રહે તે માટે સુરક્ષા વધારવાનો પણ નિર્ણય કરવામાં આવે તેવી સંભાવના છે. આ અગાઉ ભીમા કોરેગાંવ હિંસાની તપાસમાં પણ મોદીની હત્યાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. જેમાં રાજીવ ગાંધીની હત્યા જેવું ષડયંત્ર ઘડવાની વાત કરવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer