પુલવામામાં ખતરનાક આતંકી ઠાર

આતંકી પાસેથી મળ્યાં મોટી સંખ્યામાં હથિયારો

પુલવામાં,તા. 13: જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયાના બે દિવસ બાદ સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામામાં ભીષણ એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં સ્થાનિક ચૂંટણીના દિવસે જ આ અથડામણ થઇ હતી. પુલવામામાં બાબગુન્ડમાં બાતમીના આધાર પર સુરક્ષા દળોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. અથડામણ થોડાક સમય સુધી જારી રહી હતી. ત્રાસવાદી મોટી સંખ્યામાં હજુ પણ જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સ્થાનિક લોકોની વચ્ચે છૂપાયેલા છે. સ્થાનિક લોકોનુ સમર્થન હોવાના કારણે તેમની ગતિવિધિને તરત ખતમ કરવાની બાબત સુરક્ષા દળો માટે સરળ નથી. કારણ કે જ્યારે ઓપરેશન હાથ ધરવામાં આવે છે ત્યારે સુરક્ષા દળોને ત્રાસવાદીઓ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારાનો સામનો પણ કરવો પડે છે. તેમની સામે કેટલાક પડકારો એક સાથે રહે છે. કટ્ટરપંથીઓના સમર્થનના કારણે જ ત્રાસવાદીઓ તેમના ઇરાદાને અંજામ આપવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. અગાઉ જમ્મુ કાશ્મીરના કુપરાડામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને બુધવારે મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer