ચળકતા હીરા ઉદ્યોગમાં ઝાંખપ : ઘટતી માગ-વધતી બેરોજગારી

ત્રણ માસમાં 25 હજાર કારીગરો છૂટ્ટા કરાયા : ટોચની ડાયમંડ પેઢીએ સામી દિવાળીએ કારીગરોને છુટા કર્યા : હીરા કારખાનાઓમાં કામકાજ પચ્ચાસ ટકા કરતાં વધારે ઘટી ગયું ખ્યાતિ જોશી, નિલય ઉપાધ્યાય

સુરત, રાજકોટ, તા. 13 : હીરા ઉદ્યોગમાં રોનક બહુ ઓછા વર્ષ દેખાય છે. 2008 પછી તો ભાગ્યે જ સારો સમય જોયો છે. નોટબંધી-જીએસટી પછી આ વર્ષે રૂપિયાની મંદીએ હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની સ્થિતિ બગાડી નાંખી છે. ડોલરની તેજીને કારણે પેમેન્ટમાં મુશ્કેલી પડી રહી છે. માગ ઓછી છે. અસંખ્ય રત્નકલાકારોને પાછલા ત્રણ-ચાર માસમાં છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે દિવાળી વેકેશન પડશે તો ય પછી ક્યારે ઉઘડશે એ પણ અનિશ્ચિત છે એવું હીરા ઉદ્યોગના જાણકારોએ કહ્યું હતુ.
ડોલરની સતત મજબૂતાઈ અને વૈશ્વિકસ્તરે ડાયમંડની માગમાં ઘટાડા આવ્યો હોવાથી હીરાઉદ્યોગમાં કામ ઘટયું છે. હીરાની માગ છેલ્લાં બે વર્ષથી નબળી છે ત્યારે એક વધુ વર્ષ નબળું જાય તેમ છે. મંદીને લીધે આ વખતે વેકેશન એક મહિનો કે તેના કરતા વધારે લાંબુ થવાનાં સંજોગો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જસદણ, રાજકોટ અને જૂનાગઢ પંથકમાં હીરાના 4 હજાર કરતા વધારે કારખાના ધમધમે છે. એમાં વેકેશન પડયા પછી ક્યારે કારખાના પૂર્વવત થશે તે નક્કી નથી !
 રત્નકલાકારોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનાં બદલે કામ ઘટતાં આર્થિક સ્થિતિ ગબડી છે. સુરત તરફ 25 હજાર જેટલાં રત્નકલાકારો પાછલાં ત્રણ માસમાં બેરોજગાર બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરત રત્નકલાકાર સંઘનાં પ્રમુખ જયસુખભાઈ ગજેરા કહે છે કે, અમારી પાસે ગત માસમાં જ 350 જેટલાં કારીગરોનું કામ છૂટી ગયાનું જાણમાં આવ્યું છે. હજારોની સંખ્યામાં એવાં રત્નકલાકારો પ્રકાશમાં આવ્યા છે જેઓને પાછલાં છ માસમાં કંપનીઓ પાસે કામ ન હોવાનું કારણ આગળ ધરીને કારીગરોને છૂટ્ટા કરી દેવાયા છે.
જસદણના એક કારખાનેદાર નામ નહીં લખવાની શરતે કહે છે, હીરા ઉદ્યોગમાં કાયમ મંદી મંદીના વાતો થાય છે, તે ખરેખર સાચી છે. માગ કારખાનેદારો પાસે પચ્ચાસ ટકા કામકાજ પણ નથી. એવામાં ય જો કોઇ મોટી પેઢી ઉઠી જાય તો રેલો છેક તળિયા સુધી આવે છે.રૂપિયાની મંદીએ ઘેરી અસર પાડી છે. એ કારણે માગ પણ ઓછી છે. રત્ન કલાકારોની સ્થિતિ પણ ખરાબ છે. નવા તૈયાર થતા નથી અને જૂના આ ઉદ્યોગમાં પરત ફરવા તૈયાર નથી.
ઊંરતની ટોચની ડાયમંડ પેઢી કિરણ એક્સપોર્ટ સામે અઢાર જેટલાં રત્નકલાકારોએ સોગંધનામુ કરીને જણાવ્યું હતું કે, અમને કંપની દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના સામી દિવાળીએ નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. સમગ્ર વર્ષ અમે કામ કરીએ અને દિવાળીએ પગાર-બોનસ સહિતનાં લાભ આપવાનાં થાય ત્યારે કંપની દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. 
કિરણ એક્સપોર્ટમાં કામ કરતાં અને હાલ એક દિવસ પહેલાં જ જેને કાઢી મૂકવામાં આવ્યા છે તે રત્નકલાકાર દિવ્યાંગ માંગુકિયા કહે છે કે, ટોચની ડાયમંડ પેઢી અમારી સાથે દૂવ્યવહાર કરી રહી છે. કંપનીનાં માલિકોથી લઈને મેનેજર સુધીનાં અધિકારીઓએ અમને અભદ્ર ભાષામાં વ્યવહાર કરી જાનથી મારી નાખવાની ધમકી સુધ્ધા આપી છે. અમારો પગાર વધારો પણ કંપનીને પાછો આપવાની સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યુ હતું કે પગાર વધારો અને બીજા અનેક કારણોસર પાછલાં ત્રણેક માસમાં કંપનીએ અઢીસો જેટલાં કારીગરોને કામ સ્થળેથી છુટ્ટા કર્યા છે. કલાકારોમાં એ કારણે ભારે રોષ જન્મ્યો છે. 
રત્નકલાકારોને આમ પણ પગારની સ્લીપ, પેન્શન, વીમો કે અન્ય કોઇ લાભ અપાતા નથી ત્યારે જો પગાર વધારો પણ નડતો હોય તો એનાથી કપરી કોઇ સ્થિતિ નથી તેવું એક જાણકારે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer