દેશભરમાં સમાન સ્ટૅમ્પ ડયૂટી લાગશે

નવી દિલ્હી, તા. 13 : ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) બાદ તેવો જ એક મોટો સુધારો લાવવા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કવાયત આદરી છે. ભારતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે કે કારોબાર કરવો સરળ બનાવવા માટે આ મોટો સુધારો કરાશે. 
આ મોટા સુધારા હેઠળ સરકાર શેરો અને ડિબેન્ચર સહિત કોઈપણ નાણાકીય સાધનની ટ્રાન્સફર પર દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડયૂટી દર લાગુ કરવાની તૈયારીમાં છે. 
આ સુધારો કરવા માટે સરકાર કાયદામાં ફેરફાર પણ કરવાની છે. આ પગલું ગતવર્ષે વેરા પ્રણાલીમાં બદલાવ માટે કરાયેલા જીએસટીના ઐતિહાસિક સુધારા જેવું છે. 
નવા સુધારા હેઠળ મોદી સરકાર દેશભરમાં સ્ટેમ્પ ડયૂટી એક સમાન કરવા ઈચ્છે છે. હિતધારકોએ આ અંગેના નવ વરસ જૂના કાયદામાં બદલાવની તૈયારી પણ કરી લીધી છે. 
એક અંગ્રેજી અખબારના અહેવાલમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવ તૈયાર છે અને રાજ્યોની પણ સહમતી છે. સંસદના શિયાળુ સત્રમાં આ પ્રસ્તાવ પસાર કરાવવા માટે રજૂ થઈ શકે છે તેવું કહેતાં તેમણે આ પગલાથી રાજ્યોની મહેસૂલી આવક પર અસર નહીં પડે તેમ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer