પાંચ રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

પાંચ રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણ વિધાનસભા માટે 12 નવેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે મતદાન: 11 ડિસેમ્બરે પરિણામ
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 6: કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ચૂંટણી પંચે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. જ્યારે મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. છત્તિસગઢમાં પહેલા તબક્કામાં 18 બેઠકો માટે 12મી નવેમ્બરના રોજ મતદાન થશે. ત્યારબાદ બીજા તબક્કામાં 72 વિધાનસભા ક્ષેત્રમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે. 
ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં 28 નવેમ્બરના રોજ ચૂંટણી થશે. જ્યારે રાજસ્થાન અને તેલંગણમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. મતગણતરી 11 ડિસેમ્બરે થશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. ચૂંટણીની ઘોષણા સાથે જ તમામ પાંચ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ છે. રાજસ્થાનમાં  ભાજપનું શાસન છે અને હવેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. રાજ્યમાં કુલ 200 બેઠકો છે. જેમાં ગત ચૂંટણીમાં ભાજપને 160 બેઠકો ઉપર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસે 25 અને અન્યએ 15 બેઠકો મેળવી હતી. આવી જ રીતે મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે અને શિવરાજસિંહ ચૌહાણ ત્રીજો કાર્યકાળ ભોગવી રહ્યા છે. એમપીમાં 230 બેઠકો ઉપર 28 નવેમ્બરના રોજ મતદાન થશે અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાણવા મળશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer