આ વખતે પરંપરા બદલશે રાજસ્થાન : મોદી

આ વખતે પરંપરા બદલશે રાજસ્થાન : મોદી
અજમેરમાં સભા સંબોધી ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું : કૉંગ્રેસ પર પ્રહારો : તમે તોડો છો, અમે જોડીએ છીએ
 
અજમેર, તા. 6 : ચૂંટણીની જાહેરાતના દિવસે જ રાજસ્થાનના અજમેરમાં વડા- પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતાં ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો છે. વિરોધીઓ પર આકરા પ્રહારો કરતાં મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ એવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો કે અત્યાર સુધી રાજસ્થાનની જનતા એક વખત ભાજપને મોકો આપતી અને એક વખત કોંગ્રેસને, પરંતુ આ વખતે આ પરંપરા બદલી જશે... આ વખતે રાજ્યમાં ફરી ભાજપ જ આવશે. મોદીએ ત્રણ તલાક અને સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને વિપક્ષનાં નિવેદનોની ઝાટકણી કાઢી હતી.
મોદીએ કહ્યું કે, અમને જૂઠું બોલવાની આદત નથી. અમને તો સર્વ જન હિતાય, સર્વ જન સુખાય માટે કામ કરવાની આદત છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે એક તરફ વોટબેંકની રાજનીતિ છે અને બીજીતરફ સબ કા સાથ સબ કા વિકાસ છે. વોટબેંકની રાજનીતિ કરનારાઓ હિન્દુ-મુસ્લિમ, પછાત-સવર્ણ, અમીર-ગરીબ, બુઝુર્ગ-યુવાઓ વચ્ચે ભેદ પડાવી રહ્યા છે. તોડવું સરળ છે, પરંતુ જોડવા માટે જિંદગી ખપાવી દેવી પડતી હોય છે. અમે જોડવાવાળા લોકો છીએ.
ભાષણ દરમ્યાન તેજ આંધી ચાલતાં પોતાના સંબોધનને થોડો સમય રોકવાની સાથોસાથ મોદીએ એમ પણ કહ્યું હતું કે, આ વિજયની આંધી છે.
મોદીએ કહ્યું કે, અમુક લોકો એક જ પરિવારની પરિક્રમા કરીને પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગ્યા છે. બહુ મુશ્કેલીથી 60 વર્ષ બાદ દેશે એક દિશા પકડી છે. હવે કોઈપણ હાલતમાં અહીં તેઓને જોવાનો કોઈ મોકો આપવાનો નથી એમ મોદીએ કહ્યું હતું.
મોદીએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ પણ જણાવી હતી. તેમણે તીન તલાકનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમે  મુસ્લિમ બહેનોની રક્ષા કરવા ત્રણ તલાક કાનૂન લાવ્યા છીએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer