ખેડૂતોને જેલ, માલ્યા આઝાદ : રાહુલના ભાજપ પર પ્રહાર

ખેડૂતોને જેલ, માલ્યા આઝાદ : રાહુલના ભાજપ પર પ્રહાર
મોરેના, તા. 6 : મધ્યપ્રદેશ પ્રવાસ ઉપર પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મુરેનામાં જાહેરસભા યોજી હતી. રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલમાં દિલ્હી પહોંચેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. રાહુલે ઉમેર્યું હતું કે ખેડૂતો પોતાના અધિકારો માટે લડે છે અને તેમને જેલભેગા કરવામાં આવે છે પરંતુ એવી વ્યક્તિ સામે પગલાં લેવામાં આવતા નથી જે લોકો 9000 કરોડ રૂપિયા લઈને વિદેશ ફરાર થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે વિજય માલ્યા નવ હજાર કરોડ લઈને ફરાર થઈ ગયા છે. ભાગી જતા પહેલાં તેઓ સંસદમાં નાણામંત્રીને મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે. નાણામંત્રીએ પોલીસ, ઈડી અને સીબીઆઈને પણ આની જાણ કરી ન હતી. ખેડૂતો પોતાના અધિકારો માટે લડે છે ત્યારે તેમને જેલમાં નાખી દેવામાં આવે છે, પરંતુ એવી વ્યક્તિ સામે કોઈ પગલાં લેવાતાં નથી જે લોકો દેશના જંગી નાણાં લઈને ફરાર થઈ ચુક્યા છે.
રાહુલે આક્ષેપ કર્યો હતો કે ભાજપના લોકોએ સમગ્ર દેશના પંચાયતી રાજના માળખા ઉપર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસ જે જમીન અધિગ્રહણ બિલ લાવી છે તેને ખેડૂતોને પૂછીને પંચાયતમાં પૂછીને જમીન લેવામાં આવતી હતી. માર્કેટ રેટથી ચાર ગણી કિંમત આપવામાં આવતી હતી, પરંતુ 2014માં મોદી અને ભાજપની સરકાર બન્યા બાદથી જમીન અધિગ્રહણની પ્રક્રિયા ભાજપ ખતમ કરી દેવા ઈચ્છુક બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer