તનુશ્રી દત્તાએ આખરે નાના પાટેકર વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશને વિનયભંગની ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ આખરે નાના પાટેકર વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશને વિનયભંગની ફરિયાદ નોંધાવી
ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્ય સામે પણ ફરિયાદ   

મુંબઈ, તા.6 : આખરે અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર અને નૃત્ય દિગ્દર્શક ગણેશ આચાર્ય વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાટેકર અને આચાર્ય વિરુદ્ધ વિનયભંગની કલમ નંબર 354 અંતર્ગત કાર્યવાહીની માગણી દત્તાએ કરી છે. મુંબઈ પોલીસ હવે દસ વર્ષ જૂના આ કેસની તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. દરમિયાન પાટેકરે ફિલ્મ `હાઉસફુલ-4'નું શૂંટિંગ પૂર્ણ થતાં આજે રાજસ્થાનથી મુંબઈ પરત આવ્યા બાદ ઍરપોર્ટ પર પત્રકારોના આ સંબંધી સવાલના જવાબમાં કહ્યું હતું કે `જે ખોટું છે, તે ખોટું જ હોય છે'. 
આ પ્રકરણે પત્રકાર પરિષદ કરશો એવા સવાલના જવાબમાં પાટકરે કહ્યું હતું કે હું ટૂંક સમયમાં આ વિશે સ્પષ્ટતા કરીશ. વર્ષ 2008માં ફિલ્મ `હૉર્ન અૉકે પ્લીસ'ના શૂટિંગ દરમિયાન પાટેકરે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ દત્તાએ કર્યો હતો ત્યારે પાટેકરે પત્રકાર પરિષદમાં તનુશ્રીને દીકરી સમાન ગણાવી હતી.
કેટલાંક વર્ષ બાદ અમેરિકાથી ભારત પરત આવેલી તનુશ્રીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્ષ 2008માં ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન નાનાએ મને બાથમાં લઇને કોરિયોગ્રાફર્સને દૂર જવાનું કહીને ડાન્સ કેમ કરવો તે શીખવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓની છેડતી કરવાનો નાનાનો ઇતિહાસ છે, એવો ગંભીર આક્ષેપ કરતાં તનુશ્રીએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાં જાણે છે કે નાના મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer