પુણેમાં ભરબજારે તોતિંગ હૉર્ડિંગ ખાબક્યું : ચારનાં મૃત્યુ, પાંચને ઇજા

પુણેમાં ભરબજારે તોતિંગ હૉર્ડિંગ ખાબક્યું : ચારનાં મૃત્યુ, પાંચને ઇજા
જુનિયર એન્જિનિયર સહિત રેલવેના બે કર્મચારી વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો કેસ

પુણે, તા. 6 (પીટીઆઇ) : મહારાષ્ટ્રની સંસ્કાર નગરી પુણેમાં એક તોતિંગ હૉર્ડિંગનું માળખું અચાનક રોડ પર ખાબકતાં આ વિચિત્ર અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય પાંચને ઇજા થઇ હતી. આ કેસમાં એક જુનિયર એન્જિનિયર સહિત રેલવેના બે કર્મચારીઓની ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પુણે રેલવે સ્ટેશન નજીક શાહિર અમર શેખ ચોકના ટ્રાફિક સિગ્નલ ખાતે શુક્રવારે ભરબપોરે 40 ફૂટના હૉર્ડિંગની મેટલની ફ્રેમ અચાનક ખાબકી હતી. આ વજનદાર ફ્રેમ અચાનક ખાબકતાં તેની અડફેટે પાંચ રિક્ષા, એક બાઇક અને એક કાર આવી ગયાં હતાં. પુણેના લશ્કર ડિવિઝનના સહાયક પોલીસ કમિશનર જયશ્રી ગાયકવાડે જણાવ્યું હતું કે શુક્રવારની આ કમનસીબ ઘટના બાદ પોલીસે મધ્ય રેલવેના જુનિયર એન્જિનિયર સંજય સિંહ અને તેના સહાયક તરીકે કાર્યરત રેલવેમાં લોહારી કામ કરતા પાંડુરંગ વાનવરેની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની ધરપકડ સદોષ મનુષ્ય વધના આરોપસર કરવામાં આવી છે.
ઘટના વિશે માહિતી આપતાં નાયબ પોલીસ કમિશનર બી. સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે લગભગ બે વાગ્યે રેલવેના કૉન્ટ્રેક્ટર દ્વારા આ હૉર્ડિંગને છૂટું પાડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક તે ખાબક્યું હતું. આ ઘટનામાં 70 વર્ષના શામરાવ કાસર, 48 વર્ષના શામરાવ ધોત્રે, 40 વર્ષના શિવાજી પરદેશી અને 40 વર્ષના જાવેદ ખાનનાં મૃત્યુ થયાં હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer