31 સિંહને અપાઈ વિદેશી `રસી''!

31 સિંહને અપાઈ વિદેશી `રસી''!
દલખાણિયા રેન્જમાંથી જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયેલા
 
એક સિંહને ઓછામાં ઓછા 3 ડોઝ અપાશે: 500 રસીનો નવો વર્ક ઓર્ડર અપાયો 

અમદાવાદ, તા.6: ગીર પંથકમાં 23થી વધુ સિંહનાં મોત થયાં બાદ હવે ખૂબ જ ઝડપથી સિંહોને અમેરિકાથી આવેલી રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. જામવાળા એનિમલ કેર સેન્ટરમાં 31 સિંહોને રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ રસી પૂરતા પ્રમાણમાં હોવા છતાં વધુ 500 રસીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. 500થી વધુ વન્ય કર્મીઓ દ્વારા ગીરને ખૂંદી નાખીને દલખાણિયા વિસ્તારમાંથી 31 સિંહોને રેસ્ક્યુ કરી જામવાલા એનિમલ કેર સેન્ટર તથા પાંચ સિંહોને જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડાયા છે. 
ગીર પંથકમાં તાજેતરમાં થયેલા 23 સિંહોના મોતને પગલે ગુજરાત સહિત દેશભરમાં મચી ગયેલા ખળભળાટ બાદ સરકાર દ્વારા સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(સીડીવી)ને નાથવા અમેરિકાથી વિમાનમાર્ગે તાબડતોબ મંગાવાયેલી ખાસ વેક્સિન આજે ગીર-સોમનાથના જામવાળા એનિમલ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી, જ્યાં 33 સિંહોને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ચાર નર સિંહોનો પણ સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ નિષ્ણાત તબીબો દ્વારા સિંહોને આ વેક્સિનનો ડોઝ તેમની જરૂરિયાત પ્રમાણે આપવામાં આવશે. એક સિંહને આ રસીના ઓછામાં ઓછા ત્રણ ડોઝ આપવામાં આવશે. આ રસીથી સિંહોની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તેવું મનાઈ રહ્યું છે. વેક્સિન માયનસ 16 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખવા માટે તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહોનાં મોત ઈન્ફેક્શનથી થયાનું ખૂલતાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને એપી સેન્ટર જેવા અમરેલી જિલ્લામાં પશુ રસીકરણની ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા તથા એક પણ પશુ બાકી ન રહી જાય તેવી સરકાર અને તંત્ર દ્વારા તાકીદની સૂચનાઓ જારી કરાઇ છે. જ્યાં સિંહોના વસવાટ છે, તેની આસપાસનાં ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન આપવાનો દાવો થઇ રહ્યો છે, જેથી કરીને ગાય-ભેંસ કે ઘેંટા-બકરા સહિતના પશુઓમાંથી કોઇ રોગનો ચેપ સિંહોને લાગી ન શકે. 
એક બીમાર પશુ કે પ્રાણીમાંથી નીકળતી કેટલીક જીવાતોમાં બીજા પશુ કે પ્રાણીમાં રોગ ફેલાઈ શકતો હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે. કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે.
દરમિયાન, ગીર અભયારણ્યમાં ગત તા.11 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોના મોત થયા છે. આ તમામ સિંહોના મોત ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં નોંધાયા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (ઈઉટ) હોવાના અહેવાલ આવ્યા હતા. આ અહેવાલ પછી વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી છે.
દરમિયાન,  દલખાણિયા રેન્જમાં એકસાથે 23 સિંહના મોત થયાં બાદ ગીર અને ગીર જંગલમાં વનવિભાગને બદનામ કરવા અમુક તત્વો મેદાને ચડયાં હોય તેમ આજે એક એવી અફવા ખાંભા તેમજ સાવરકુંડલામાં વહેતી થઈ હતી કે સાવરકુંડલા રેન્જના મિતીયાણા અભયારણમાં છેલ્લા 20 દિવસથી 9 સિંહો પૈકી 7 સિંહ ગુમ થઈ ગયાં છે, અફવાના પગલે વનવિભાગ દોડતું થઈ ગયું હતું. જો કે, ધારી ડીસીએફ પુરુષોતમે જણાવ્યું હતું કે, મિતીયાણા અભયારણ્યમાં બધા સિંહો સલામત છે અને તંદુરસ્ત છે. મિતીયાણા અભયારણ્યની નજીક સાત સિંહનું લોકેશન હોવાનું જણાવ્યું હતું. આમ સાવરકુંડલા વિસ્તારમાં અમુક લોકો દ્વારા વનવિભાગને ગેરમાર્ગે દોરતું હોવાનું અને સિંહ ગુમ થયાની અફવા ફેલાવવામાં આવતી હોવાનું અને સિંહ ગુમ થયાની વાત પાયાવિહોણી હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. 
કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ કેવી રીતે પ્રસરે છે ?
માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓનાં શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી) લાગુ પડયા પછી પ્રથમ ત્રણ દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. તેમની મૂવમેન્ટ ઘટી જાય છે. આંખોમાં દુ:ખાવો, લાલાશ વર્તાય છે. ત્રણથી પાંચ દિવસ દરમિયાન ભારે ઊંચો તાવ આવે છે અને હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાઇરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer