રાજકોટમાં ભારતનો એક દાવ અને 272 રને મહાવિજય

રાજકોટમાં ભારતનો એક દાવ અને 272 રને મહાવિજય
બંને દાવમાં વેસ્ટ ઇન્ડિઝનો 181 અને 196 રનમાં ધબડકો : ત્રણ દિવસની અંદર પહેલી ટેસ્ટ સમાપ્ત : એક સમયે વિશ્વ ક્રિકેટમાં રાજ કરનારી કેરેબિયન ટીમ સપાટ વિકેટ પર પૂરી 100 ઓવર પણ રમી શકી નહીં : બીજા દાવમાં કુલદીપની 5 વિકેટ : યુવા પૃથ્વી શો મેન અૉફ ધ મૅચ
 
રાજકોટ, તા.6: આઇસીસી ક્રમાંકની નંબર વન ટીમ ભારતે આઠમા નંબરની વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે પહેલા ટેસ્ટમાં એક દાવ અને 272 રને રેકોર્ડબ્રેક જીત હાંસલ કરીને બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી સરસાઇ મેળવી લીધી છે. એક સમયે વિશ્વ ક્રિકેટ પર રાજ કરનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમે રાજકોટની સપાટ વિકેટ પર કોઇ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના બંને દાવમાં ભારત સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ફક્ત ઔપચારિક રીતે કેરેબિયન બેટધરો ક્રિઝ પર આવતા અને જતા હતા. આ સિલસિલો બીજા દિવસે ચાના સમય બાદ શરૂ થયો હતો અને આજે મેચના ત્રીજા દિવસે ચાના સમયની 10 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા દાવમાં 48 ઓવરમાં 181 રને અને બીજા દાવમાં ફોલોઓન થયા બાદ 50.5 ઓવરમાં 196 રને ડૂલ થઇ ગઇ હતી. આથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ બંને દાવમાં પૂરી 100 ઓવર પણ ટકી શકી ન હતી અને તેમની નાલેશીભરી કારમી હાર થઇ હતી. 
કેરેબિયન ખેલાડીઓની બોડી લેંગ્વેજમાં જ જુસ્સાનો અને લડન આપવાનો અભિગમ જોવા મળ્યો ન હતો. બીજી તરફ ઇંગ્લેન્ડની ધરતી પર 1-4ની હાર સહન કરનાર કોહલીસેના નબળી કેરેબિયન ટીમ પર તૂટી પડી હતી અને પહેલો ટેસ્ટ ફક્ત ત્રણ દિવસની અંદર જીતી લીધો હતો. પદાપર્ણ ટેસ્ટમાં આક્રમક સદી કરનાર 18 વર્ષીય પૃથ્વી શો મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે બીજા દાવમાં ચાઇનામેન બોલર કુલદિપ યાદવે 5 વિકેટની સિદ્ધિ મેળવી હતી. બંને ટીમ વચ્ચેનો શ્રેણીનો બીજો અને આખરી ટેસ્ટ તા.12મીથી હૈદરાબાદ સામે શરૂ થશે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમે આજે મેચના ત્રીજા દિવસે તેનો પહેલો દાવ 6 વિકેટે 94 રનથી આગળ ધપાવ્યો હતો. પ્રવાસી ટીમ આજે થોડીઘણી લડત આપશે તેવી બધાને આશા હતી પણ કેરેબિયન ટીમ કોઇ પણ પ્રકારના પ્રતિકાર વિના પહેલા દાવમાં 48 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રોસ્ટન ચેસે 53 અને કિમો પોલે 47 રન કરીને વિન્ડિઝની લાજ રાખી હતી. ભારત તરફથી પહેલા દાવમાં અશ્વિનને સૌથી વધુ 4 વિકેટ મળી હતી. ભારતના પહેલા દાવમાં 9 વિકેટે 649 રન થયા હતા. આથી તેને 468 રનની વિક્રમી સરસાઇ મેળવી હતી અને વિન્ડિઝને ફોલોઓનની ફરજ પાડી હતી.
બીજા દાવમાં કેરેબિયન બેટધરો પહેલા દાવની ભૂલમાંથી શિખ લઇને લડત આપશે તેવું બધાનું માનવું હતું પણ કેરેબિયન ટીમના બેટસમેનસ ભારતીય સ્પિનરો સામે ફરી નતમસ્તક થઇ ગયા હતા. કામચલાઉ સુકાની બ્રેથવેટ લંચ પહેલા અશ્વિનનો શિકાર બન્યો હતો. પહેલી વિકેટથી શરૂ થયેલી છૂક છૂક ગાડી અંતિમ વિકેટ સુધી ચાલી હતી. એક માત્ર કીરોન પોવેલે ઓપનિંગમાં આવીને 93 દડામાં 8 ચોક્કા અને 4 છક્કાથી 83 રન કર્યા હતા. બાકીના તમામ કેરેબિયન બેટધરો રાજકોટની સપાટ વિકેટ પર પણ શેરી ક્રિકેટ રમીને આઉટ થયા હતા. ખાસ કરીને કુલદિપ યાદવની સ્પિન જાળમાં તેઓ ફસાઇ ગયા હતા. કુલદિપે 57 રનમાં55 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજાએ 3 અને અશ્વિને 2 વિકેટ લીધી હતી. આથી વેસ્ટ ઇન્ડિઝનો ત્રીજા દિવસે ચાના સમયની 10 મિનિટ બાદ બીજો દાવ 50.5 ઓવરમાં 196 રનમાં સમાપ્ત થયો હતો. જેથી ભારતનો એક દાવ અને 272 રને વિક્રમી વિજય નોંધાયો હતો.
ત્રણેય ફોર્મેટમાં પ વિકેટ લેનાર કુલદીપ બીજો ભારતીય બૉલર
ચાઇનામેન બોલર કુલદિપ યાદવે બીજા દાવમાં 5 વિકેટ ઝડપીને એક ખાસ રેકોર્ડ તેના નામે કર્યોં છે. આ સાથે કુલદિપ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં પાંચ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે. કુલદિપ પહેલા આ પરાક્રમ ભુવનેશ્વરકુમાર કરી ચૂકયો છે. કુલદિપ અને ભુવનેશ્વર ઉપરાંત આ રેકોર્ડ વિશ્વ ક્રિકેટમાં  લસિથ મલિંગા, અંજતા મેન્ડિસ, ઉમર ગૂલ, ટિમ સાઉધી અને ઇમરાન તાહિર બનાવી ચૂકયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer