સાબરકાંઠામાંથી મોટી સંખ્યામાં બિહારી અને ઉત્તર પ્રદેશીઓ વતન રવાના

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6: સાબરકાંઠામાં ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ મોટા પ્રમાણમાં પરપ્રાંતીઓને માર મારવાની અને પ્રદેશ છોડી દેવાની ધમકી અપાતા દહેશતના માહોલ વચ્ચે બિહાર અને યુ.પી.ના લોકો પોતાના વતન તરફ રવાના થઇ રહ્યા છે. જેના પરિણામે ફેકટરીઓમાં મજૂરોની અછતની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ એક પછી એક હુમલાથી પરપ્રાંતીઓમાં ભય છે ત્યારે કેટલાક પરપ્રાંતીઓ આશરો લેવા ન્યૂ મણિનગર પહોંચ્યા હતા. ન્યૂ મણિનગરમાં સદ્દગુરૂ બંગલોમાં મહિલાઓ અને બાળકો સાથે તેઓએ આશરો લીધો હતો. 
દરમિયાન બહુચરાજીમાં પરપ્રાંતીઓ પર હુમલા મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, પોલીસે તરત પગલાં લીધાં છે. સુરતના બે અને હિંમતનગરના કેસમાં એકાદ મહિનામાં જ સજા મળી જશે. ગુજરાત સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે. તેમણે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર કહ્યું કે, કમનસીબે કૉંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નેતા આ પ્રકારે આંદોલન કરાવી  અને પરપ્રાંતીઓ પર હુમલા કરાવી રહ્યા છે. 
કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, યુ.પી., બિહાર કે દેશમાંથી કોઇપણ નાગરિક રાજ્યમાં આવે તો તેની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે.
મહત્વનું છે કે, અમદાવાદ, પાટણ અને હિંમતનગર સહિતના પંથકમાં કામ કરતા પર પ્રાંતિય લોકો પર હુમલા થયા છે. ફેકટરી પર જે રીતે પર પ્રાતીયોન પહોંચીને ધમકી આપવામાં આવે છે કે તો આ પ્રદેશમાંથી બહાર જતા રહે નહીં તો તેમના પર હુમલા કરવામાં આવશે અને ાજ કારણોસર તેમનામાં એક પ્રકારનો ડર ફેલાયો છે. પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી અનેક લોકોની ધરપકડ કરી છે.  ઠાકોર સેનાના ઠાકોર કનુજી ગંભીરજી (ઉ.વ.23)એ સોશિયલ મીડિયામાં જુદા જુદા વર્ગોમાં દુશ્મનાવટને પ્રોત્સાહન તથા વર્ગ વિગ્રહ ફેલાવવા ઉશ્કેરણીજનક મેસેજ મૂકતા તેની સામે ગુનો નોંધી તેની અટક કરવામાં આવી છે. આ ઉપરાંત તેની મદદગારી કરનારા મહેસાણાના ઠાકોર રમણજી પ્રહલાદજી, ઠાકોર પ્રવીણજી ઇશ્વરજી, ઠાકોર બળદેવજી બાબુજી સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer