નથુરામ ગોડસેના ગુણગાન ગાતી વૅબસાઇટ સામે કાર્યવાહીની માગણી કરતી અરજીનો હાઈ કોર્ટમાં નિકાલ


મુંબઈ, તા. 6 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેના ગુણગાન ગાતી વૅબસાઇટ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતી જનહિતની અરજીનો નિકાલ આજે બૉમ્બે હાઇ કોર્ટે કર્યો હતો. આ વૅબસાઇટ સામે કાર્યવાહી કરવાની કોઇ જરૂર નથી, એવો અભિપ્રાય રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ આપ્યો હતો.
સરકારી વકીલ પ્રાજક્તા શિંદેએ કોર્ટને જણાવ્યું હતું કે જે વૅબસાઇટ સામે કાર્યવાહીની માગણી થઇ રહી છે તેમાં મુકાયેલી માહિતી દાયકાઓ અગાઉ વર્તમાન પત્રોમાં જે માહિતી છપાઇ હતી તેનું અંગ્રેજીમાં ભાષાંતર માત્ર છે, તેમાં નવું કંઇ જ નથી. તેથી વૅબસાઇટ સામે કાર્યવાહીની જરૂર જ નથી.
જજ એસ. એસ. શિંદે અને જજ મૃદુલા ભાટકરની ખંડપીઠે દલીલો સાંભળ્યા બાદ અરજીનો નિકાલ કરતા અરજીકર્તાને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer