મુંબઈ, તા. 6 : પુણેમાં હૉર્ડિંગ તૂટી પડતાં થયેલી દુર્ઘટના બાદ મુંબઈનાં જોખમી હૉર્ડિંગ્સનો પ્રશ્ન એરણે ચઢ્યો છે. મુંબઈમાં પણ અનેક જોખમી હૉર્ડિંગ્સ હોવાની ભીતિ મહાપાલિકાએ વ્યક્ત કરી છે. એ જોખમ ટાળવા પાલિકાએ ડિજિટલ હૉર્ડિંગનો પર્યાય સૂચવ્યો છે અને એની માન્યતા માટે પાલિકા કમિશનરને મોકલી અપાયો છે.
રસ્તાઓ તથા ઈમારતો પર હૉર્ડિંગ બેસાડવા માટે પાલિકા પાસે પરવાનગી લેવી પડે છે. એમાંથી પાલિકાને કમાણી થાય છે. મુંબઈમાં ગણેશોત્સવ, નવરાત્રિ કે દિવાળી દરમિયાન મોટી-મોટી જાહેરખબરનાં હૉર્ડિંગ્સ લગાડાય છે. જોકે એમાં ગેરકાયદે હૉર્ડિંગ્સ વધુ પડતાં હોય છે. એ હૉર્ડિંગ બેસાડતી વખતે બિલ્ડિંગનું બાંધકામ મજબૂત છે કે નહીં અથવા હૉર્ડિંગ લગાડાય છે એનાથી કોઈને અડચણ થાય છે કે નહીં કે હૉર્ડિંગ બરાબર લગાડાયું છે કે નહીં એની ખાસ દરકાર લેવાતી નથી. એની પૂરેપૂરી ચકાસણી કર્યા વિના પરવાનગી આપી દેવાય છે એવો આક્ષેપ નગરસેવકો કરી રહ્યા છે.
જોકે પાલિકાના ઉપાયુક્ત નિધિ ચૌધરીએ કહ્યું કે `ગેરકાયદે લગાડાતાં હૉર્ડિંગ્સને લીધે અકસ્માન સર્જાવાની શક્યતા રહે છે. અમે 30 વર્ષથી જૂની ઈમારત પર હૉર્ડિંગ બેસાડવાની પરવાનગી આપતા નથી.'