સીસીઆઈ ચાલુ વર્ષે 100 લાખ ગાંસડી રૂની ખરીદી કરશે

મુંબઈ, તા. 6 : સરકારી એજન્સી કોટન કોર્પોરેશન અૉફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ચાલુ સપ્તાહથી દક્ષિણેથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે અને ચાલુ વર્ષે કપાસની 100 લાખ ગાંસડીની ખરીદી થવાનો લક્ષ્યાંક સીસીઆઈએ નક્કી કર્યો છે.
અગાઉ સૌથી વધુ ખરીદી 2008-'09માં સીસીઆઈએ 96 લાખ ગાંસડીની કરી હતી, તો ગત સિઝનમાં માત્ર 3.08 લાખ ગાંસડીની જ ખરીદી કરી હતી.
સીસીઆઈએ સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદક સેન્ટરોમાંથી કુલ 348 ખરીદી સેન્ટરો ખોલવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ખેડૂતો દ્વારા સૌપ્રથમ સીસીઆઈને વેચાણ કરવામાં આવશે અને ત્યાર બાદ ટ્રેડરોની મદદ લેવાશે.
સરકારે ચાલુ વર્ષે લંબતારી કપાસના રૂા. 5450 નક્કી કર્યા છે, જે અગાઉના વર્ષે રૂા. 4320 હતા. અન્ય લઘુતમ ટેકાના ભાવમાં 26 ટકાનો વધારો કર્યો છે. જ્યારે મધ્યમતારી કપાસના ભાવ 28 ટકા વધારીને રૂા. 5150 કર્યા છે, જે ગત વર્ષે રૂા. 4020 હતા.
સીસીઆઈના મુજબ કપાસની ખરીદી માટે કુલ રૂા. 250 કરોડના ફંડનો ઉપયોગ કરવામાં આવશે, જે બૅન્કના કોન્સોર્ટિયમમાંથી લેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer