એમએસપી કરતાં નીચા ભાવે કઠોળ ખરીદવા વેપારીઓ-સરકાર વચ્ચે ખેંચતાણ

પુણે, તા. 6 : મહારાષ્ટ્રમાં મગ અને અડદના ભાવ તેના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) કરતાં નીચા રહ્યા છે, ત્યારે ખેડૂતો એ આશા રાખી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં પ્રોક્યુરમેન્ટ કેન્દ્રો શરૂ કરી દેશે. લાતુરમાં મગના ક્વિન્ટલદીઠ રૂા. 3800-5400 બોલાય છે, જ્યારે તેનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલદીઠ રૂા. 6975 નિયત કરાયેલો છે. તો અડદના ક્વિન્ટલદીઠ બોલાતાં રૂા. 3800-4450 સામે તેના એમએસપી રૂા. 5600 રહ્યા છે.
ત્યારે નોંધનીય એ છે કે રાજ્ય સરકાર એમએસપી કરતાં નીચા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરતાં વેપારીઓને ચેતવણી આપી રહી છે અને તેની સજાનો ડર વેપારીઓમાં જણાઈ રહ્યો છે. લાતુરના ગ્રેઈન સીડ્ઝ ઍન્ડ અૉઈલ મર્ચન્ટસ ઍસોસિયેશનના પ્રમુખ પાંડુરંગ મુંદડાએ જણાવ્યું હતું કે વેપારીઓ ખેડૂતો પાસેથી ``નો-ઓબ્જેકશન'' પત્ર કે જેમાં આ સોદાથી તેઓ ખુશ છે અને તે બદલ કોઈ ફરિયાદ નથી, એવા મતલબનું લખેલું માગી રહ્યા છે.
આમ ખેડૂતો દ્વારા પણ જો કોઈ ફરિયાદ થાય તો તેને અટકાવવા તેનો ઉપયોગ થઈ શકે. ગયા મહિને વેપારીઓએ એમએસપી હેઠળ આવતી કોમોડિટીઝના ઓકશનનો બહિષ્કાર કર્યો હતો અને પછી ભાવ પરવડે એવા હોય ત્યારે તેમાં ફરી સોદા શરૂ કરશેની શરત રાખી હતી.
બજારના સિનિયર વેપારીઓના મુજબ મોટા ભાગે આ સામાન્યથી ઊતરતી કક્ષાની કેટેગરી (નોન-એચએક્યુ) હેઠળ વેચાઈ રહી છે, તે જોતાં તેને એમએસપીના ધોરણ લાગુ પડે નહીં. ખેડૂતોની મંજૂરી સાથે મોટા ભાગનાં કઠોળ નોન-એફએક્યુ ગ્રેડના રહ્યા છે અને તેઓ પાસેથી કઠોળનાં વેચાણ માટેનો સંમતિનો પત્ર લેવાતો હોય છે. આમ વેપારીઓ કાયદાકીય સલામતી મેળવે છે, કારણ કે બજારના ભાવ ખાસ્સા નીચા રહેવા સામે એમએસપી ઊંચા હોય છે.
જેમાં કે ભાવ ગયા વર્ષના રૂા. 4500-5200 કરતાં નીચા રહ્યા છે. એનું કારણ વધુપડતો ભેજ, એમ એક સિનિયર વેપારીએ જણાવ્યું હતું. આ વર્ષે મગમાં 14-23 ટકા ભેજ જણાયો હતો. સરકારે ભેજ માટેનો 12 ટકાનો આંક ઠરાવેલ છે.
લાતુર એપીએમસીના ચૅરમૅન લલિતકુમાર શાહે સરકારને પ્રૉક્યુરમેન્ટ સેન્ટરો ખોલવાં રજૂઆત કરી છે.
મંડીઓના કઠોળ-અનાજના વેપારીઓએ સંબંધિત એપીએમસીના ચૅરમૅન દંડનાત્મક કાર્યવાહીની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા જાહેર કરવા અનુરોધ કર્યો હતો. વેપારીઓ દલીલ કરે છે કે બજારનાં પરિબળો ભાવ નક્કી કરે છે. સરકારે નક્કી કરેલા ભાવે કૉમોડિટીની ખરીદી કરવા દબાણ વેપારીઓ પર કરવું જોઈએ નહીં, અને આ માટે સરકાર પાસે લેખિત બાંયધરી પણ માગી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer