લોકસભાની ચૂંટણી પૂર્વે પાંચ રાજ્યોમાં ઈલેકશન બનશે સેમિ-ફાઈનલ

આનંદ વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 6 : ચૂંટણી પંચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભાઓ માટે ચૂંટણીઓની તારીખો જાહેર કરવાની સાથે 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ સેમિ-ફાઈનલ માટેનો તખતો ગોઠવાઈ ગયો છે. 11 ડિસેમ્બરે જાહેર થનારા આ ચૂંટણીનાં પરિણામો લોકસભાની ચૂંટણી પૂર્વે નિર્ણયાત્મક બની  રહેશે, કારણકે આ પરિણામો પશ્ચિમ, મધ્ય, ઈશાન અને દક્ષિણના પ્રદેશોમાં લોકોના મિજાજનું પ્રતિબિંબ પાડશે.
ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉંગ્રેસની વચ્ચે સીધી સ્પર્ધા યોજાવાની હોવાથી આ ચૂંટણીઓ મહત્ત્વ ધરાવે છે, કારણકે તેનાં પરિણામો એવો સંકેત પૂરો પાડશે કે લોકસભાની ચૂંટણી પૂર્વે કોનો હાથ ઉપર છે. ભાજપ જો તેના પોતાના શાસિત રાજ્યોમાં ફરી સત્તા મેળવી શકે તો લોકસભાની ચૂંટણી પૂર્વે તેનો ઉત્સાહ વધશે. બીજી તરફ જો ભાજપને કૉંગ્રેસ હરાવે તો તે બાબત કૉંગ્રેસ માટે માત્ર જુસ્સો વધારનારી જ નહીં હશે, પરંતુ સાથોસાથ સાથી પક્ષોને એવો સંદેશો પાઠવશે કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને હરાવવા માટે સક્ષમ છે અને લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીનો સામનો કરવા માટે સાથી પક્ષોએ રાહુલ ગાંધીની આગેવાનીને ટેકો આપવો જોઈએ.
ભાજપને કેવળ રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ સંબંધિત રાજ્યોમાં પણ સંભવિત શાસનવિરોધી લાગણીનો સામનો કરવાનો છે. આ ચૂંટણીઓ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ભાજપ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, રફાલ સોદા જેવા વિવિધ મોરચે લડી રહ્યો છે તેમ જ પરંપરાગત સવર્ણ વૉટ બૅન્કની પણ ખફગી વહોરી છે.
વધુમાં, આ ચૂંટણીઓમાં હાલ ભાજપ દ્વારા શાસિત છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપની વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. આ ત્રણ રાજ્યમાં ચૂંટણી એ કારણસર મહત્ત્વ ધરાવે છે કે ભાજપ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચોથી વખત સત્તારૂઢ થવા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે રાજસ્થાનમાં સત્તા જાળવી રાખવા માગે છે. આ ત્રણ રાજ્યોએ 2014ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે આ ત્રણ રાજ્યોમાં લોકસભાની 65 બેઠકમાંથી 62 બેઠક ભાજપે જીતી હતી.
રાજસ્થાનમાં કૉંગ્રેસ પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ રાજ્યમાં અમુક વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા પ્રાદેશિક પક્ષો પણ અમુક બેઠકો પર ખેલ બગાડી શકે.
બહુજન સમાજ પક્ષનાં વડા અને દલિત નેતા માયાવતીએ અગાઉથી એવી જાહેરાત કરી છે કે તેમનો પક્ષ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એકલે હાથે ચૂંટણી લડશે. 2013માં રાજસ્થાનમાં બેતૃતીયાંશ કરતાં વધુ બેઠકો જીતીને ભાજપે જંગી બહુમતી સાથે સત્તા મેળવી હતી. ત્યાર પછી 2014માં લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં તમામ 25 બેઠકો જીતી હતી, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓમાં લોકસભાની બે બેઠક અને વિધાનસભાની એક બેઠક મતોના મોટા તફાવત સાથે ગુમાવી હતી.
મધ્યપ્રદેશમાં છેક 2003થી શાસન કરી રહેલા ભાજપને કૉંગ્રેસ તરફથી ખતરો છે. રાજ્યમાં વિવિધ કૌભાંડો ઉઘાડા પડવાથી ભાજપની છબી ખરડાઈ છે અને ભાજપને સત્તા પરથી ઊથલાવવા માટે કૉંગ્રેસ તેનો ફાયદો ઉઠાવી શકે.
બીજી તરફ છત્તીસગઢમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળશે. છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં કૉંગ્રેસે મતોની લગભગ સરખી ટકાવારી જીતી છે. અત્રે પણ માયાવતીએ કૉંગ્રેસને જાકારો આપ્યો છે અને અજિત જોગીની સાથે જોડાયાં છે.
આગામી ચૂંટણીઓમાં ઈશાનમાં પોતાના છેલ્લા ગઢનું રક્ષણ કરતી કૉંગ્રેસ જોવા મળશે. ઈશાન ભારતમાં મિઝોરમ એકમાત્ર બચેલું એવું રાજ્ય છે જ્યાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનું શાસન નથી. ઈશાન ભારતમાં ચૂંટણી નિર્ણયાત્મક છે, કારણકે આઠ રાજ્યોની સાથે મળીને લોકસભાની 25 બેઠકો ધરાવે છે અને ભાજપ-એનડીએનું જોડાણ ઈશાન ભારતમાં પોતાના રાજકીય વર્ચસ્વને ચાલુ રાખવા માગે છે.
તેલંગણા : વિધાનસભાની 119 બેઠક ધરાવતું દક્ષિણ ભારતનું રાજ્ય તેલંગણાનો ચૂંટણી જંગ કદાચ સૌથી રસપ્રદ રહેશે. વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં આર ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)એ 90 બેઠકો મેળવી હતી જ્યારે કૉંગ્રેસને 13, ભાજપને પાંચ તેમ જ ભાજપની સહયોગી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને 15 બેઠક મળી હતી.
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લેતા તેલંગણાની ચૂંટણી ભાજપ માટે વધુ મહત્ત્વની બની રહેશે કેમ કે હવે ટીડીપીનો સંગાથ નથી અને દેશના પૂર્વ, ઉત્તર કે પશ્ચિમનાં રાજ્યોમાં ભાજપની બેઠકો તૂટે તો દક્ષિણના તેલંગણા જેવાં રાજ્યમાં તેની ભરપાઇ કરી શકાય છે. ભાજપ આ માટે જોરદાર પ્રયાસો પણ કરી રહ્યો છે. જોકે તેલંગણામાં ભાજપ પાસે કોઇ લોકપ્રિય ચહેરો નથી અને કાર્યકરો પણ અસમંજસમાં છે. 
આંધ્ર પ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો ન મળતાં આંધ્ર પ્રદેશમાં સત્તાધારી ટીડીપીએ નારાજ થઇને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને હવે ટીડીપી, કૉંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ તેલંગણામાં યુતિ રચવાની વાટાઘાટોમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer