વડા પ્રધાનને પત્ર લખી અહેમદ પટેલની માગણી

ટાઇગર પ્રોજેક્ટની જેમ લાયન પ્રોજેક્ટ માટે હજાર કરોડ ફાળવો
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6: ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 અૉક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયાં છે. આ મામલે સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  દરમિયાન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે કે જેમ દેશમાં ટાઇગર પ્રોજેક્ટ અમલમાં છે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે લાયન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે અને 1000 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે.
અહેમદ પટેલે વડા પ્રધાન મોદીને સંબોધીને લખેલા ચાર મુદ્દાના પત્રમાં જણાવ્યું છે કે, તમે જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ લાયન પ્રોજેક્ટની વાત કરી હતી. સિંહોના સંરક્ષણને પણ લાયન પ્રોજેક્ટ જેટલું જ મહત્ત્વ આપવું જોઇએ. ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે, સમગ્ર વિશ્વમાં સિંહો માત્ર ગુજરાતમાં જ છે. એક સમયે સિંહોના સંરક્ષણ માટે સફળતાની ગાથા ગણાતા સિંહો અત્યારે રાજ્યની દુર્લક્ષતાનો ભોગ બન્યા છે. આથી, હું તમને વિનંતી કરું છું કે, સિંહોના સંરક્ષણને સૌથી વધારે પ્રાથમિકતા આપો.
તેમણે એમ પણ લખ્યું છે કે, સિંહોનાં રાતોરાત મોત થયાં નથી. પરંતુ રાજ્ય સરકારના ખોટા વ્યવસ્થાપન અને નબળી દેખરેખના કારણે આ પરિણામ આવ્યું છે.   ગીર અભ્યારણ્યની આસપાસ જે ઇકો સેન્સિટીવ ઝોન નાનો કરવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે તે યોગ્ય નથી. ગીર અભ્યારણ્યની આસપાસ ઇકો સેન્સિટીવ ઝોન 10 કિલોમીટર હોવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન અને ટુરિઝમ વચ્ચે બેલેન્સ રાખવું પડેશે. ગીરની આસપાસ મોટા પ્રમાણમાં રિસોર્ટ ખૂલી રહ્યા છે. તેમની પર કોઇ નિયંત્રણ નથી. સિંહો માટે આ બધી જ પ્રવૃત્તિઓ સૌથી મોટો ખતરો છે. સરકારે આ તમામ ગેરકાયદે રિસોર્ટ-હોટેલોને બંધ કરી દેવી જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer