`સ્વચ્છતા હી સેવા'' અભિયાનનો વડા પ્રધાન મોદીના હસ્તે પ્રારંભ

`સ્વચ્છતા હી સેવા'' અભિયાનનો વડા પ્રધાન મોદીના હસ્તે પ્રારંભ
ગાંધીજીના `સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા ભણી પહેલ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવી દિલ્હીમાં પખવાડિક `સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનના લોન્ચિંગ દરમિયાન વડા પ્રધાને આઈટીબીપીના જવાનો, શાળાનાં બાળકો, દુગ્ધ અને કૃષિ સહકારી મંડળીઓના સભ્યો, આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ રતન તાતા જેવા વિવિધ વર્ગોના લોકો તેમ જ સ્વચ્છાગ્રહીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.
આ પ્રસંગે બોલતાં મોદીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાની ટેવને રોજિંદી જિંદગીમાં વણી લેવી જોઈએ. ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ હવે મહત્ત્વના તબક્કામાં પહોંચી છે. કોઈએ એવી કલ્પના પણ નહોતી કરી કે 4 વર્ષમાં 4.5 લાખ ગામડાં, 450 જિલ્લા અને 20 રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશો જાહેરમાં કરાતી શૌચક્રિયાથી મુક્ત થઈ જશે અને 9 કરોડ શૌચાલયો બાંધવામાં આવશે. આજ ભારત અને ભારતીયોની તાકાત છે એમ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશના તમામ વર્ગોને અને તમામ પ્રકારની વયના લોકોને સ્વચ્છતા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer