રાષ્ટ્રીયકૃત બૅન્કોને મદદ અપાય છે, સહકારી બૅન્કો વિરુદ્ધ કાર્યવાહી થાય છે : પવાર

રાષ્ટ્રીયકૃત બૅન્કોને મદદ અપાય છે, સહકારી બૅન્કો વિરુદ્ધ કાર્યવાહી થાય છે : પવાર
સારસ્વત બૅન્કની શતાબ્દી નિમિત્તે કાર્યક્રમ
મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : કો-અૉપરેટિવ બૅન્કો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત કરીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે કે રાષ્ટ્રીયકરણ પામેલી બૅન્કોને માટે મદદનો હાથ લંબાવવામાં આવે છે, જ્યારે કો-અૉપરેટિવ બૅન્કો વિરુદ્ધ આકરાં પગલાં ભરવામાં આવે છે.
સારસ્વત કો-અૉપરેટિવ બૅન્કે 14મી સપ્ટેમ્બરે 100 વર્ષ પૂર્ણ કર્યાં તે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પવારે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્યપ્રાપ્તિની શરૂઆતનાં વર્ષોમાં મહારાષ્ટ્રના નેતાઓની દીર્ઘદૃષ્ટિને કારણે સહકારી ચળવળનો પ્રારંભ થયો હતો. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં દેશની 70 ટકા સહકારી બૅન્કો છે. રાષ્ટ્રીયકરણ પામેલી બૅન્કને મદદ કરવી જોઈએ તેમાં કોઈ શંકા નથી. તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રીયકરણ પામેલી બૅન્કોને 86,000 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી હતી, જ્યારે સહકારી બૅન્કો આર્થિક મુસીબતમાં સપડાય ત્યારે તેના બોર્ડ અૉફ ડિરેકટરને વિખેરી નાખવામાં આવે છે. તેથી હું સહકારી બૅન્કો પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી નાખવાની હિમાયત કરું છું, એમ પવારે ઉમેર્યું હતું.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના સાથીપક્ષ - ભાજપની ટીકા કરતાં જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ (નોટબંધી) પછી અર્થતંત્રની દશા અને દિશા એવી થઈ છે કે સામાન્ય નાગરિકને ખબર પડતી નથી કે ક્યાં જવું. સામાન્ય નાગરિકને વર્તમાન અને ભૂતકાળની સરકાર વચ્ચે કોઈ ખાસ તફાવત નથી એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer