સુરક્ષા જાળવવા ટૂંકમાં રેલવે પાટાનું ડ્રોન્સ દ્વારા નિરીક્ષણ કરાશે

સુરક્ષા જાળવવા ટૂંકમાં રેલવે પાટાનું ડ્રોન્સ દ્વારા નિરીક્ષણ કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : રેલવે તંત્ર મધ્ય અને પશ્ચિમ રેલવે લાઇનો પર નિરીક્ષણ કરવા ડ્રોનનો ઉપયોગ કરશે.
તમામ ઝોનલ રેલવેના સર્વોચ્ચ મંડળ રેલવે બોર્ડે મેન્ટેનન્સ (જાળવણી)ના કાર્ય દરમિયાન ઉપનગરીય રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરવા ડ્રોન મેળવી લેવાનું પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેને જણાવ્યું છે.
આ ડ્રોન્સનો ઉપયોગ  શહેરના રોડ ઓવર બ્રિજ અને ફૂટ ઓવર બ્રિજનું નિરીક્ષણ કરવા માટે પણ કરવામાં આવશે. રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન કોરિડોર અને પ્રોજેક્ટ્સના મેપિંગ અને મોનિટરિંગ કરવામાં પણ આવાં ડ્રોન્સનો ઉપયોગ કરી શકાશે.
હાલ આવાં ડ્રોન્સનો ઉપયોગ દુર્ઘટના થઈ શકે એવાં સંભવિત સ્થળો ખાતે જ કરવામાં આવે છે. દાખલા તરીકે મધ્ય રેલવે ચોમાસા પહેલાં સંભવિત ભૂસ્ખલન અંગે માહિતી મેળવવા ઘાટના નિરીક્ષણ માટે તેનો ઉપયોગ કરે છે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન રાજેન ગોહૈને તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, બ્રિજના એવા ભાગ કે જે સીસીટીવી કૅમેરામાં પણ જોઈ શકાતા ન હોય કે તેની ચકાસણી નરી આંખે પણ થઈ શકતી ન હોય, ત્યારે ડ્રોન્સથી તેના નિરીક્ષણની જરૂરિયાત ઊભી થતી હોય છે. રેલવે મંત્રાલયના જાહેર ક્ષેત્રના એકમોમાં પણ નિરીક્ષણ માટે ડ્રોન્સનો ઉપયોગ કરાતો હોવાનું પ્રધાને જણાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer