અરુણ જેટલીનો બચાવ કરતાં ઉદ્ધવે કહ્યું, વિજય માલ્યા એક નંબરના જુઠ્ઠા છે

અરુણ જેટલીનો બચાવ કરતાં ઉદ્ધવે કહ્યું, વિજય માલ્યા એક નંબરના જુઠ્ઠા છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ભારતીય બૅન્કોની 9000 કરોડ રૂપિયાની લોન લઈને લંડન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ નાણાપ્રધાન જેટલી સંદર્ભે કરેલા વિધાન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વિજય માલ્યાએ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટની બહાર પ્રસાર માધ્યમોને કહ્યું હતું કે હું ભારત છોડતાં પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો. તે અંગે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ `સામના'ના અગ્રલેખમાં જેટલીનો બચાવ કરતા લખ્યું છે કે વિજય માલ્યા એક નંબરનો જુઠ્ઠા છે. દારૂડિયા અને ખોટું બોલનારાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
અરુણ જેટલીને હું મળ્યો હતો એ માલ્યાએ આટલાં વર્ષો પછી કેમ કોર્ટમાં કહ્યું? કૉંગ્રેસને માલ્યા-જેટલીની મુલાકાતની ખબર હતી તો તેઓ આટલાં વર્ષ ચૂપ શા માટે બેઠા? જ્યારે માલ્યાએ કહ્યું કે હું જેટલીને મળ્યો હતો તો એ નાણાપ્રધાનની દૃષ્ટિએ બૅન્કો સાથે વાતચીત કરવાના હેતુએ પણ મળ્યો હોવો જોઈએ. તે માટે આટલો હોબાળો મચાવવાની શી જરૂર? આને માટે આવી મુલાકાતો યોજાઈ શકે એની કૉંગ્રેસને ખબર હોવી જોઈએ. કૉંગ્રેસના એક આગેવાન જ્યારે જેટલીને આ માલ્યા પ્રકરણમાં ગુનેગાર ગણાવે છે ત્યારે હસવું રોકી શકાતું નથી, એમ ઉદ્ધવે ઉમેર્યું હતું.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer